Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીનો અમલ વિલંબમાં : કેન્દ્ર દ્વારા રાજ્યને કોઇ માર્ગદર્શિકા મળી નથી

કેન્દ્રીય માર્ગ-પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કરી હતી જાહેરાત: એક સપ્ટેમ્બરથી સ્ક્રેપ પોલિસીનો થવાનો હતો અમલ

અમદાવાદ : ગુજરાતમાં જૂના વાહનોને ભંગારમાં લઇ જવા અંગે અમલમાં મૂકાનારી સ્ક્રેપ પોલિસીનો અમલ વિલંબમાં પડ્યો છે. કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગડકરીની જાહેરાત પછી પણ 1 સપ્ટેમ્બરથી જાહેર થયેલી નીતિનો અમલ થયો નથી.

  વડાપ્રધાન મોદીના નેતૃતવની સરકારે 15 થી 20 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં લઇ જવા સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. ઓગસ્ટ-2021માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે મહાત્મામંદિરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પરિવહનમંત્રી નિતીન ગડકરીએ જાહેરાત કર હતી. પરંતુ આજની સ્થિતિએ ગુજરાત સરકારના વાહનવ્યવહાર વિભાગને સ્ક્રેપ પોલિસી અંગે કોઇ માર્ગદર્શક સૂચના મળી નથી.

પર્યાવરણ જાળવણી અને સાથે પેટ્રોલ-ડિઝલની બચતના હેતુથી રાષ્ટ્રવ્યાપી સ્ક્રેપ પોલિસીની જાહેરાત તો ગુજરાતમાંથી થઇ. ત્યારબાદ ગુજરાત સરકાર તરફથી આ અંગે ખાનગી કંપનીઓ સાથે સંપર્ક કરીને સ્ક્રેપ સેન્ટર, ફિટનેસ સેન્ટર અને ઓટો ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવા સહિતની પ્રક્રિયા આગળ વધી છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી પોલિસીના અમલ અંગે કોઇ માર્ગદર્શિકા કે સૂચના આજદિન સુધી આવ્યા નથી. પરિણામે સપ્ટેમ્બરના પ્રારંભે જ અમલમાં મૂકાનારી સ્ક્રેપ પોલિસીનો અમલ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહના અંત સુધી પણ થઇ શક્યો નથી. ત્યારે કેન્દ્ર પોલિસીનો અમલ ક્યારે કરાવશે.. તે જોવાનું રહેશે.

(9:10 pm IST)