Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

અમરાવતી નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન દરમિયાન બે યુવાનોના ડૂબી જતા કરૂણમોત

અંકલેશ્વરના દઢાલ ગામ પાસે આવેલ અમરાવતી ખાડીમાં ત્રણ યુવાનો ડૂબ્યા : એકનો બચાવ

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ પાસે આવેલ અમરાવતી નદીમાં દશામાંની મૂર્તિના વિસર્જન સમયે જીઆઇડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે રહેતા બે યુવકો ડૂબી જતા લાપતા બનતા ફાયરના જવાનો એ ભારે શોધખોળ કરતા બંન્ને યુવકોના મૃતદેહને શોધી કાઢી બહાર કાઢ્યા હતા. તાલુકા પોલીસે બંન્ને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના દઢાલ ગામ પાસે આવેલ અમરાવતી ખાડીમાં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા રવિવારે વહેલી સવારે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટવાની શરૂ થઈ ગઈ હતી. અંકલેશ્વર જીઆઇડીસીની ક્રિસ્ટલ ચોકડી નજીક રહેતા બિહારના એક પરિવારના સભ્યો સાથે બે યુવાનો પણ વિસર્જન માટે આવ્યા હતા. વિસર્જન દરમ્યાન સાથે આવેલ 17 વર્ષીય સુરજ સંજય શર્મા અને 18 વર્ષીય રવિદાસ સહિત ત્રણ યુવાનો મૂર્તિનું વિસર્જન કરતા જતા તેઓ ડૂબવા લાગ્યા હતા. જેઓને જોઈ પરિવારની મહિલાઓએ બુમરાણ મચાવતા લોકો ત્યા આવી ગયા હતા અને તેઓએ એક યુવાનને ડૂબતા બચાવી લીધી હતો. જ્યારે સુરજ અને રવિ અ લાપત્તા બન્યા હતા.

જે બાદ તેઓએ ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને શોધખોળ હાથ ધરતા પ્રથમ રવિદાસનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે સૂરજ શર્મા લાપતા બનતા તેની શોધખોળ હાથ ધરી હતી. અઢી કલાકની જહેમત બાદ સુરજનો પણ મૃતદેહ મળી આવતા પરિવારમાં વિસર્જનનો પ્રસંગ ઘેરા શોકમાં ફેરવાઈ ગયો હતો. ઘટનાને પગલે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને બન્ને યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડિસ્પેન્સરી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

(9:53 pm IST)