Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

નર્મદા જિલ્લાના 20 અમૃત તળાવોના નિર્માણથી 40 કરોડ લીટર પાણીનો વધુ જળ સંગ્રહ ક્ષમતા

જિલ્લાના 75 તળાવો પૈકી 20 તળાવોનું પ્રથમ તબક્કામાં પુનઃ રચના DDO અને ગ્રામ વિકાસ એજન્સી થકી સંપન્ન

અમદાવાદ : દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લા ગ્રામીણ વિકાસ વિભાગ અંતર્ગત આવતી જળ સંચયની યોજના સુજલામ સુફલામ જળ અભિયાનને પણ વિશેષ રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં 75 તળાવોને સુવિકસિત-પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે. તળાવ કિનારે ગામલોકોને અત્યાધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થાય તેવા પ્રયાસ સાથે જિલ્લામાં તળાવોના વિકાસના કામો થઈ રહ્યાં છે.

સુજલામ સુફલામ-જળ સંચય અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ ગામોના 75 તળાવોને વિકસિત કરવા માટેનું અભિયાન જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોરની રાહબરીમાં હાલ જિલ્લાભરમાં ચાલી રહ્યું છે.

પ્રથમ તબક્કામાં 15 ઓગષ્ટ સુધીમાં 20 જેટલાં તળાવોને સુવિકસિત-પુનઃનિર્માણ કરવા માટેનો લક્ષ્યાંક નક્કી કરી તેની કામગીરી કરવામાં આવતાં, હાલની વરસાદી સિઝનમાં આવા તળાવોમાં પાણીનો જથ્થો સંગ્રહિત થઈ રહ્યો છે. જેના થકી તળાવની આસપાસના વિસ્તારમાં પાણીના સ્તર ઉંચા આવશે. સાથોસાથ ગામનાં ઢોર ઢાંખર માટે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ થશે.

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં CSR અંતર્ગત વિવિધ વિકાસના કામો પણ થઈ રહ્યા છે, ત્યારે અમૃત સરોવર અંતર્ગત નાંદોદ તાલુકાના લાછરસ ગામે આવેલા તળાવને મોડેલ તળાવ તરીકે વિકસાવવા માટે CSR એક્ટિવિટી અંતર્ગત JCB ઈન્ડિયા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

 

લાછરસ તળાવ આશરે 8.37 એકર ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. આ તળાવની ક્ષમતા આશરે 5.329 MCT જેટલી હતી. જેમાંથી અમૃત સરોવર અંતર્ગત આશરે 40 હજાર ક્યુબીક મીટર જેટલી માટી ખોદીને તળાવને ઊંડું કરવામાં આવેલ છે. જેથી તેના જળ સંગ્રહની ક્ષમતામાં આશરે 1.412 MCFT જેટલો વધારો થયેલ છે. તળાવનું પુનઃનિર્માણ થયુ તે પહેલા વરસાદના કારણે તળાવનું જળ સ્તર વધી જતા ગામમાં પાણી ફરી વળતા હતા. જિલ્લાના 20 તળાવ ઊંડા કરાતા તેની પાણી સંગ્રહની ક્ષમતા 40 કરોડ લીટર જેટલી થઈ છે.

તળાવના પાળા પણ ધોવાઈ જતા હતા જેના કારણે પાણીનો વ્યય થતો હતો અને ગ્રામજનોને ઘણી તકલીફ પડતી હતી. પરંતુ હવે અમૃત સરોવર અંતર્ગત તળાવને ઊંડું કરીને ચારે તરફ માટીના પાળાનું મજબૂતીકરણ કરવામાં આવેલ છે, જેથી ગામલોકોને પડતી મુશ્કેલીમાંથી હવે મુક્તિ મળશે.

 

કરજણ સિંચાઇ વિભાગ-રાજપીપલાના નાયબ કાર્યપાલક ઇજનેર ઓમપ્રકાશ કરવાસરાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં લાછરસ ગામના તળાવની અમૃત સરોવર તરીકે વિકસાવવા માટે પસંદગી કરવામાં આવી છે. તળાવમાંથી માટી બહાર કાઢીને તેના પાળાનું મજબૂતીકરણ કરી પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટેની કામગીરી કરવામાં આવી છે. પહેલાં આ ગામમાં વરસાદ વધારે પડે તો તે પાણી તળાવમાંથી ઓવરફ્લો થઈને બહાર નીકળી જતાં તળાવના પાળાનું પણ ધોવાણ થતું હતું. જે સમસ્યામાંથી ગ્રામજનોને હવે મુક્તિ મળશે. સાથોસાથ આ તળાવમાં સંગ્રહિત થનારા પાણીથી ગામમાં પાણીનાં સ્તર ઉંચા આવશે, પશુ પક્ષીને પીવાનું પાણી ઉપલબ્ધ થશે અને ગામનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકશે.

 

નર્મદા જિલ્લા પંચાયત-સિંચાઇ પેટા વિભાગ, રાજપીપલાના મદદનીશ ઈજનેર પરેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં અમૃત સરોવર પ્રોજેક્ટ અંતર્ગત સુવિકસિત કરવામાં આવી રહેલા તળાવો પૈકી પ્રથમ તબક્કામાં 20 જેટલા તળાવોની કામગીરી કરવામાં આવી છે. બાકી રહેલા અન્ય તળાવોની કામગીરી પણ આ પ્રકારે જ કરવામાં આવશે. આ તળાવોના પુનઃનિર્માણથી ગામના જળ સ્તર ઉંચા આવશે. તળાવમાં પાણી સંગ્રહની ક્ષમતામાં વધારો થશે અને ઢોર ઢાંખરને પણ પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવો શુભ આશય આ તળાવોના વિકાસ પાછળ રહેલો છે.

(4:52 pm IST)