Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

રાજ્યમાં વિવિધ જિલ્લામાં દશામાની મૂર્તિના વિસર્જનમાં 6ના મોત: ભક્તિના પાવન પર્વ દુર્ઘટના સર્જાતા પરિવારોમાં શોકનો માહોલ છવાયો

અંકલેશ્વરના દઢાલ પાસે અમરાવતી ખાડીમાં 3 યુવાન ડૂબ્યા હતા જેમાં એકને બચાવી લેવાયો હતો. જ્યારે બે યુવકના ડૂબી જવાથી મોત : સાબરકાંઠાના ઈડરના કડિયાદરમાં ઘઉંવા નદીમાં કમલેશ નામનો યુવક ડૂબી જતા મોત : આણંદના સંદેશર પાસેમાં કિશોર અને કિશોરનું ડૂબી જવાથી મોત : પંચમહાલના મોરવા હડફના સુલિયાત ગામના તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નિપજયુ

અમદાવાદ :આજે દશામાતાના દસ દિવસના ઉત્સવ અંતે વિસર્જન હતું. પરંતુ આનંદનો આ દિવસ ક્યાંક દુખમાં પરિવર્તન પામ્યો હતો. કારણ કે, રાજ્યમાં વિવિધ જિલ્લામાં દશામાની મૂર્તિના વિસર્જનમાં 6ના મોત નિપજ્યા છે. અંકલેશ્વર-આણંદમાં 2-2, પંચમહાલ, સાબરકાંઠામાં 1-1 વ્યક્તિના મોત થયા છે. ભક્તિના પાવન પર્વ દુર્ઘટના સર્જાતા મૃતકોના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.

અંકલેશ્વરના દઢાલ પાસે અમરાવતી ખાડીમાં મૂર્તિના વિસર્જન માટે ગયેલા 3 યુવાન ડૂબ્યા હતા. જેમાં એકને બચાવી લેવાયો હતો. જ્યારે બે યુવકના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે સાબરકાંઠાના ઈડરના કડિયાદરમાં ઘઉંવા નદીમાં મૂર્તિ પધરાવવા જતા કમલેશ નામનો યુવક ડૂબી જતા મોત થયું છે. આણંદના સંદેશર પાસેમાં દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા જતાં કિશોર અને કિશોરનું ડૂબી જવાથી મોત થયું. તો પંચમહાલના મોરવા હડફના સુલિયાત ગામના તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નિપજ્યું છે. ભક્તિના પાવન પર્વ દુર્ઘટના સર્જાતા પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.

ઇડર ના કડિયાદરા પાસેની ઘઉંવા નદીમાં યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યુ છે. દશામાનું વ્રત પૂર્ણ થતા કડિયાદરા ગામનો કમલેશ નદીમાં મૂર્તિ પધરાવવા જતા ડૂબ્યો હતો. ત્યારે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર વિભાગે ડૂબી ગયેલ કમલેશના મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.

તો આણંદના સંદેશર પાસે કેનાલમાં ડૂબી જતા બે લોકોનાં મોત નિપજ્યા છે. તો એક કિશોરીનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. વહેલી સવારે ચાર વાગ્યે દશા માતાની મૂર્તિના વિસર્જન સમયે આ ઘટના બની હતી. જેમાં એક કિશોર ડૂબી ગયો હતો, પરંતુ એક કિશોરીને સ્થાનિક લોકોએ બચાવી લીધી હતી. આ 16 વર્ષીય કિશોરીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. આણંદ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. કિશોર અને કિશોરીનાં મોતને લઈને પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. જોકે, દશામાં વિસર્જન દરમિયાન ઘટના બની કે પછી અન્ય કોઈ કારણસર તે અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે.

તો બીજી તરફ, અમદાવાદ દસ દિવસની પૂજા બાદ દશામાંની મૂર્તિઓ નિરાધાર જોવા મળી. લોકોએ રંગેચંગે ઉત્સાહથી દસ દિવસ માતાની પૂજા કરી અને બાદમાં મોટી સંખ્યામાં દશામાતાની મૂર્તિઓ રિવરફ્રન્ટના મેદાનમાં રઝળતી મૂકી દીધી. દર વર્ષે 10 દિવસ બાદ દશામાંની આવી હાલત જોવા મળે છે. ગણેશ વિસર્જન અને છઠ્ઠ પૂજાની જેમ દસામાંના વિસર્જન માટે પણ કુંડની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ લોકો આ રીતે મૂર્તિઓ મૂકીને જતા રહે છે.

(11:36 am IST)