Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમદાવાદમાં વેચાણ થતાં 20 લીટર પાણીના કેરબા અંગે કોઇપણ નિયમોનું પાલન નહીં !! : મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર

તંત્ર દ્વારા પણ કોઇ જ પગલાં ભરવામાં નહિ આવતા હોવાનો આક્ષેપ:ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ-ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરાઇ

અમદાવાદ :શહેરમાં ખુલ્લેઆંમ વેચાણ થતાં 20 લીટર પાણીના કેરબા અંગે કોઇપણ નિયમોનું પાલન કરાતું નથી. અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનો પણ અમલ થતો નથી. આ અંગે સરકારી તંત્ર દ્વારા પણ કોઇ જ પગલાં ભરવામાં આવતા નહીં હોવાનો આક્ષેપ કરતી રજૂઆત ગ્રાહક સુરક્ષા-ગ્રાહક સત્યાગ્રહ-ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરાઇ છે.

ગ્રાહક સુરક્ષા – ગ્રાહક સત્યાગ્રહ – ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેર સહિત ગુજરાતમાં ગ્રાહકોને શુધ્ધ પીવાનું પાણીનું વેચાણ થાય છે. તેના માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અનેક પાણી પ્લાન્ટોને પાણી વેચાણ કરવા માટેના લાયસન્સો ઇસ્યુ કરવામાં આવ્યા છે. આથી બજારમાં 20 લીટર પાણીના જગ-કેરબાનું વેચાણ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ફ્રૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ( પેકીંગ અને લેબલીંગ રેગ્યુલેશન 2011 )ના કાયદા મુજબ પેકેજ્ડ ડ્રીન્કીંગ વોટર-મીનરલ વોટરનું ઉત્પાદન કરતાં હોય તો પેકીંગ કરનારનું નામ, સરનામું, પાણીની નેટ કવોલીટી-જથ્થો, કિંમત, શુધ્ધતાનું પ્રમાણ, ઇ-મેઇલ આઇડી વગેરે વિગતો દર્શાવવી જરૂરી છે.

20 લીટર પાણીના જગ- કેરબા વેચાણ કરવા ઉત્પાદકને પેકેજ્ડ ડ્રિન્કીંગ વોટર કે મીનરલ વોટરનું ઉત્પાદન કરવાનું હોય છે. તેના આધારે પ્લાન્ટના માલિકોને બી.આઇ.એસ.નું લાયસન્સ લઇ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટનું લાયસન્સ લેવાનું હોય છે. અને આ કાયદાની જોગવાઇ મુજબ તમામ એફ.એસ.ઓ.ના રિપોર્ટ મુજબ 20 લીટરના પાણીના જગ- કેરબા સીલબંધ પણ હોવા જોઇએ. પણ માર્કેટમાં 20 લીટરના પાણીના જગ-કેરબા પર આવી કોઇ જાણકારી આપવામાં આવતી નથી કે લેબલ કે સ્ટીકર લગાવાતાં નતી. તેમ જ જગ-કેરબા સીલબંધ પણ હોતા નથી.

સૂચિત્રા પાલે વધુમાં કહ્યું છે કે, 20 લીટર પાણીના જગ-કેરબામાં જે પાણી ઘરે ઘરે પીવા માટે વેચાણ કરવામાં આવે છે તેનો ગ્રેડમાર્ક શું છે, તે પાણી ખરેખર પીવાલાયક છે કે નહીં તે સ્પષ્ટ થતી નથી અને ગ્રાહકો અંધારામાં રહે છે. આમ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઇ રહ્યાં છે.

આ કાયદાનું પાલન કરાવવું સરકારી વિભાગોની જવાબદારી અને ફરજ છે. પરંતુ આ પ્રકારની કાર્યવાહી નહીં થતી હોવાના કારણે નિયમોનું પાલન થતું નથી અને ખુલ્લેઆંમ બજારમાં 20 લીટરના કેરબા-જગનું વેચાણ ચાલી રહ્યું છે. તો આ અંગે કાયદાનો ભંગ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરીને પ્રજાના આરોગ્ય સાથે થતાં ચેડાં રોકવા રજૂઆત કરી છે.

(11:25 pm IST)