Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગુજરાતના સાંસદો મનસુખભાઇ માંડવિયા અને પરસોત્તમભાઇ રૂપાલાને કેન્‍દ્ર સરકારમાં પ્રમોશન મળશેઃ દર્શના જરદૌશ-દેવુસિંહ ચૌહાણ અને ડો. મહેન્‍દ્ર મુંજપરાના નામો પણ ચર્ચામાં

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થશે. મળતી માહિતી મુજબ નવા ચહેરા અને પ્રમોશન પામનારા મળીને કુલ 43 નેતાઓ મંત્રીપદના શપથ લેશે. 24 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ લઈ શકે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંડ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 6 વાગે આ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ત્યારે ગુજરાતમાંથી પહેલેથી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા કેન્દ્રમાં છે, જેઓને પ્રમોશન મળશે. ત્યારે ગુજરાતના અન્ય નેતાઓના નામની પણ ચર્ચા શરૂ થઈ છે.

મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાને પ્રમોશન મળશે

ગુજરાતમાંથી હાલ કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી નીભાવી રહેલા પરષોત્તમ રૂપાલાનું પ્રમોશન થઈ શકે તેવી શક્યતા છે. કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતથી પણ એક નવા ચેહરાનો સમાવેશ કરાશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ સાથે મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલા પહેલેથી જ કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતનું નૈઋત્વ કરી રહ્યા છે. ત્યારે વધુ એક ચહેરાને કેન્દ્રમાં સ્થાન મળી શકે છે. 2022 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઇ આ નિર્ણય લેવાઈ શકે છે.

અન્ય ત્રણ નવા ચહેરાને સ્થાન અપાય તેવી શક્યતા

સૂત્રોના અનુસાર, આ વચ્ચે એક નામ ચર્ચામાં આવ્યુ છે. એ છે દર્શના જરદૌશ. સુરતના સાંસદ દર્શના જરદૌશને પણ મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી ચર્ચા ઉઠી છે. તેઓ કેન્દ્રીય રાજ્યમંત્રી બનશે તેવી ચર્ચા છે. દર્શના જરદૌશ હાલ દિલ્હીમાં છે, તેઓ દિલ્હી પીએમ હાઉસમાં પણ દેખાયા છે. આ ઉપરાંત ખેડાના દેવુસિંહ ચૌહાણ અને સુરેન્દ્રનગરના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપુરાનું નામ પણ ચર્ચામાં છે.

ગુજરાતમાંથી હાલ 4 કેન્દ્રીય મંત્રીઓ મંત્રીમંડળમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી, વિદેશમંત્રી અને બે રાજ્યમંત્રીઓ હાલ કેબિનેટમાં છે. 2 કેબિનેટ અને 2 રાજ્યકક્ષાના મંત્રીઓને પહેલેથી સ્થાન અપાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સાથે પીએમ મોદીએ બેઠક યોજી હતી. આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે તેવા પ્રદેશોમાંથી ચહેરાઓની પસંદગી થશે તેવી શક્યતા છે.

ગુજરાતના બે નેતા દિલ્હી કેમ પહોંચ્યા

ગુજરાત ભાજપના 2 સાંસદો દિલ્હી પહોંચ્યા છે. રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર અને અમદાવાદ પશ્ચિમના ધારાસભ્ય ડો.કિરીટ સોલંકી પણ દિલ્હી પહોંચ્યા છે. OBC નેતાઓને મોદી કેબિનેટમાં વધુ પ્રાધાન્ય અપાશે તેવું કહેવાય છે. હાલ જે પણ દિલ્હી જઈ રહ્યા છે તેમને કેબિનેટમાં સ્થાન મળશે તેવુ કહેવાય છે. પરંતુ આ બંને અન્ય કામથી દિલ્હી ગયા હોવાનું તેમણે જણાવ્યું.

(5:06 pm IST)