Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

આણંદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જાહેર રસ્તા પર ગંદા પાણીનો નિકાલ ન કરવામાં આવતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

આણંદ: જિલ્લામાં વરસાદી વિરામ વચ્ચે આણંદ શહેરની પરીખભુવન પાસેથી એક સોસાયટી દ્વારા જાહેર રસ્તા ઉપર ગંદા પાણીના નિકાલ કરાતા અત્રેથી અવર-જવર કરતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ગંદા પાણીના નિકાલને કારણે નર્કાગાર બનેલ આ વિસ્તાર સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી રહ્યો હોવાનો સૂર જાગૃતો દ્વારા વ્યક્ત કરાયો છે. સાથે સાથે વરસાદી માહોલ વચ્ચે ગંદા પાણીનો જાહેર રસ્તા ઉપર નિકાલ કરતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવે તેવી માંગ જાગૃતોમાં પ્રવર્તી છે.

ચાલુ વર્ષે જૂન માસના પ્રથમ સપ્તાહમાં આણંદ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું હતું. જો કે છેલ્લા એક સપ્તાહથી જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે. આણંદ શહેરમાં વરસાદી વિરામ વચ્ચે વોર્ડ નં.૧૧માં આવેલ પરીખ ભુવન પાસેની મુક્તિનગર સોસાયટીના ગંદા  પાણીથી સ્થાનિકો હેરાન-પરેશાન બની ગયા છે. ગંદા પાણીનો જાહેર રસ્તા ઉપર નિકાલ કરવામાં આવતા સમગ્ર વિસ્તાર નર્કાગાર બની ગયો છે ત્યારે કેટલાક શખ્શો પોતાની મનમાની કરી જાહેર માર્ગ ઉપર ગંદા પાણીનો નિકાલ કરી આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી રહ્યા હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે. જાહેર રસ્તા ઉપર ગંદા પાણીનો નિકાલ કરાતા અત્રેથી પસાર થતા  નાના બાળકો તેમજ વૃધ્ધોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેટલીક વખત તો આ માર્ગ ઉપરથી પસાર થતા ટુવ્હીલર વાહનો સ્લીપ ખાઈ જતા હોવાના બનાવો પણ બનતા હોય છે ત્યારે પાલિકા દ્વારા આ અંગે જ કાર્યવાહી ન કરાતા જાગૃતોમાં આશ્ચર્યની લાગણી પ્રવર્તી છે.

(4:48 pm IST)