Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

સુરતના વરાછા ઝોનમાં દબાણ હટાવવા ગયેલ પાલિકાની ટીમનો અનોખો વિરોધ : વાહનો આડે સુઈ ગયા

મેયર અને સ્થાયી અધ્યક્ષ પણ દોડી સ્થળ પર દોડી આવ્યા :ઓફિસમાં આવી રજુઆત કરો જગ્યા ફાળવવા માટે કામગીરીની ખાતરી આપી

સુરત મ્યુનિ.ના  વરાછા ઝોનમાં એ.કે.રોડ પર દબાણ હટાવવા માટે ગયેલી પાલિકાની  ટીમના વાહનો સામે સુઈ ગયાં હતા. દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ આવા અનેખો વિરોધની લાચાર બની ગઈ હતી. દબાણ કરનારાઓએ પોતાના ગેરકાયદે દબાણ હટાવવા માટે હોબાળો કરતાં મેયર અને સ્થાયી અધ્યક્ષ પણ દોડી સ્થળ પર દોડી આવ્યા હતા. મેયરે દબાણ કરનારાઓને કહ્યું હતું કે, તમે ઓફિસમાં આવી રજુઆત કરો તેમને જગ્યા ફાળવવા માટેની કામગીરી કરવામાં આવશે પરંતુ લોકોને ન્યુસન્સરૂપ દબાણ હટાવવા પડશે તેવી વાત કરી હતી.

સુરત મ્યુનિ. વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવા માટે પાલિકા કામગીરી કરી રહ્યું છે તો બીજી તરફ દબાણ કરનારાઓ પોતાને બચાવવા માટે જાત જાતના કિમીયા કરી રહ્યાં છે. મ્યુનિ.ના વરાછા રોડ પર અશ્વનીકુમાર રોડપર સ્વામીનારાયણ ચાર રસ્તા  નજીક શાકભાજી અને ફ્રુટની લારીઓ ઉભી રહે છે. આ વિસ્તારમાં લારીવાળાઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ હોવાથી પાલિકા તંત્રએ આજે આ ગેરકાયદે દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. પાલિકાના દબાણ વિભાગના કર્મચારીઓ વાહન લઈને દબાણ દુર  કરવાની કામગીરી કરતાં હતા તેની સાથે જ દબાણ કરનારાઓ પાલિકાના વાહન આગળ સુઈ ગયાં હતા અને દબાણ હટાવવા દીધા ન હતા. અમારી લાશ પડે પછી લારી જપ્ત કરતો જેવી વાત કરતાં રાજકીય માહોલ ગરમાયો હતો.
ગેરકાયદે દબાણ કરનારાઓએ ભારે હોબાળો કરતાં આ મેયર હેમાલી બોઘાવાલા અને સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યાં સ્થાયી અધ્યક્ષની ગાડી દબાણ કરનારાઓએ ઘેરી લીધી હતી. દબાણ કરનારાઓએ મેયર બોઘાવાલાને ફરિયાદ કરી હતી કે દબાણ વિભાગ દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ થવી જોઈએ. મેયરે તેઓને કહ્યું હતું કે, આ અંગે તમે એક પણ વખત અમને રજુઆત કરી નથી તમે ઓફિસમાં આવીને રજુઆત કરી શકો છો. અહી ગેરકાયદે લારીઓ ઉભી રાખીને ન્યુસન્સ કરવાના બદલે તમને જગ્યા ફાળવવા માટેની કામગીરી કરવામા આવશે.
જોકે, સ્થળ પરથી મળતી માહિતી મુજબ દબાણ કરનારાઓએ પણ રાજકીય દબાણ આગળ લાવીને મત માગવા આવતાં નહી તેવું કહેતાં ભાજપ શાસકો દોડતાં થયાં છે. આ વિસ્તારમા ભાજપના કોર્પોરેટરો નથી વિપક્ષના કોર્પોરેટર છે આ વિસ્તારના લોકો ગેરકાયદે દબાણથી ત્રાસી ગયાં છે ત્યારે શાસક અને વિપક્ષ આ દબાણના મુદ્દે કેવી નીતિ અપનાવે છે તેના પર લોકોની નજર છે.

(11:42 pm IST)