Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની બદલીની ઉડી અફવા : સુરત અને રાજકોટ બદલાવશે ! : જબરી ચર્ચા

સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીને ડીઆઈજીના પ્રમોશનની પણ તૈયારીઓ પૂર્ણ : અનેકવિધ અટકળ

અમદાવાદ: રાજ્યમાં IPS અધીકારીઓના ફેરફાર થવાની શકયતાઓ છે. રાજકોટ અને સુરતના પોલીસ કમિશનરને પણ બદલવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહેલા સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીને ડીઆઈજીના પ્રમોશનની પણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાના હેવાલ વહેતા થયા છે .બીજા 8 જેટલા ACP કક્ષાના અધિકારીઓને DCPના પ્રમોશન સાથે બદલી થવાની શક્યતા છે. તેમજ જીલ્લા સ્તરે ફરજ બજાવતા જિલ્લા પોલીસ અધિક્ષકોમાં પણ ધરખમ ફેરફાર થવાની પૂર્ણ શક્યતા છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એસીબીનો સંપૂર્ણ હવાલો સોંપીને તેમની બદલી કરવામાં આવે અને તેમની જગ્યાએ સુરત પોલીસ કમિશનર અજય તોમરને મુકવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. પરતું મળેલા જાણકારી અનુસાર શ્રીવાસ્તવની બદલીની વાત અફવા છે. અત્યારે સરકાર શ્રીવાસ્તવથી એસીબીનો ચાર્જ લઈને બીજા ક્યાં અધિકારીને સોંપે તે પણ સરકાર માટે માથાનો દુખાવો પુરવાર થઈ રહ્યો છે.તેવા સંજોગોમાં અમદાવાદ શહેરની જવાબદારી શ્રીવાસ્તવથી લઈને બીજા કોઈને સોંપે તે વાતમાં કોઈ શક્યતા નહીંવત છે.

સુત્રોથી મળતી માહિતી મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર કોઈ પણ સંજોગોમાં બદલાશે નહીં. જો તેમની બદલી કરવી હોત તો મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કરી દેવામાં આવી હોત. પરતું તેવું બન્યું નથી. ચૂંટણી પહેલા એક ઉચ્ચ વહીવટી અધિકારી જેમને અમદાવાદ પોલીસ કમિશનરની બદલીમાં ખાસ રસ હતો તેમને જ સરકાર દ્વારા સાઈડલાઈન કરીને મેસેજ આપી દેવાયો  છે કે, અમદાવાદ પોલીસ કમિશનર સરકારના ભરોસા પર ખરા ઉતર્યા છે.

સંજય શ્રીવાસ્તવ સિનિયોરીટી, લો એન્ડ ઓર્ડર, શહેરના જાણકાર તેમજ શહેરમાં ઇન્ટેલિજન્સ બેગ્રાઉન્ડ ધરાવનાર અધિકારી છે. વિવાદોથી દૂર રહ્યા છે. તેમજ સૌને સાથે રહીને ચાલી શકે તેવી તેમની છબી છે. મળેલ માહિતી પ્રમાણે, એક અધિકારીએ બંધ બારણે આપ કાર્યકર્તાઓને સહયોગ આપતા હતા. જેથી હવે તેમને સીઆઇડી કે હોમગાર્ડ અથવા બીજી કોઈ નગણ્ય જગ્યાએ મુકવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે.

ચર્ચા મુજબ રાજકોટ પોલીસ કમિશનરની બદલી પણ કરવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે. તેમંની જગ્યાએ પીયુષ પટેલ, નરસિમ્હા કોમર, રાજકુમાર પાંડિયન અથવા તો ડો. કે.એલ.એન રાવને મુકી શકાય છે. જયારે સુરતમાં પણ પોલીસ કમિશનર તરીકે રાજકુમાર પાંડિયનની નિયુક્તિની શક્યતાઓ છે. પાંડિયનને રાજકોટ અથવા સુરતમાં એ જગ્યાએ કમિશનર તરીકે મુકવા માટે પુરેપુરી તૈયારી છે.

રાજકોટ રેન્જ, ભાવનગર રેન્જ, સુરત રેન્જ અને ખાલી પડેલી બરોડા રેન્જમાં પણ ફેરફાર આવી શકે તેમ છે. જોકે મોટા ભાગના જિલ્લા વડા પણ બદલાશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને બરોડામાં ડીસીપી કક્ષાના અધિકારીઓમાં મોટા ફેરફાર થવાની શકયતા રહેલી છે. છેલ્લા કેટલાય સમયથી રાહ જોઈ રહેલા સિનિયર ડીસીપી કક્ષાના અધિકારીને ડીઆઈજીના પ્રમોશનની પણ તૈયારીઓ થઈ ગઈ છે તેમને પણ પ્રમોશન સાથે બદલી કરી પોસ્ટિંગ આપવામાં આવશે. જયારે 8 જેટલા એસીપી કક્ષાના અધિકારીઓને ડીસીપીના પ્રમોશન આપવામાં આવશે. તેમને પણ શહેરોમાં ડીસીપી તરીકે પોસ્ટિંગ અપવામાં આવશે.

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા લાંબી રજા પર જઈ રહ્યા છે તેમની હેલ્થ સારી નથી તેવી અફવાઓ કોઈ ચોક્કસ ગ્રૂપ દ્વારા ઉડાવવામાં આવતી હોવાની ચર્ચા છે. જોકે તેઓ રજા પર જવાના નથી અને કોઈ હેલ્થ સમસ્યા પણ ન હોવાનું આધાર ભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

(9:43 pm IST)