Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઉ. માધ્યમિક શાળા સવારની પાળીમાં ચલાવવાનો આદેશ

શિક્ષકોની રજૂઆત બાદ સરકારનો નિર્ણય : સાતમી જૂનથી શરૂ થયેલા શૈક્ષણિક વર્ષ માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે

અમદાવાદ, તા. ૬ : પ્રાયમરી સ્કૂલો બાદ રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને ફક્ત મોર્નિગ શિફ્ટમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આવું રાજ્ય સરકારના એક સૂત્રએ જણાવ્યું છે.

કોવિડ-૧૯ મહામારીના કારણે હાલ સ્કૂલોમાં અભ્યાસ બંધ છે અને ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ છે. વળી ઓનલાઈન શિક્ષણ માટે શિક્ષકોને પણ સવારનો સમય પરવડે એમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના શિક્ષકો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. જે બાદ આ નિર્ણય લેવાયો છે.

તાજેતરમાં જ શિક્ષણ વિભાગે પ્રાથમિક સ્કૂલોને સવારના સમયે ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા નિર્દેશ કર્યો હતો. શિક્ષણ વિભાગના ડિરેક્ટરે પણ ગયા અઠવાડિયે આ મામલે એક સરક્યુલર જાહેર કર્યો હતો. ગયા મહિને, પ્રાથમિક વિભાગના શિક્ષકોના ગ્રૂપે રાજ્ય સરકારને માત્ર મોર્નિંગ શિફ્ટમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા માટે રજૂઆત કરી હતી.

વળી કોવિડ-૧૯ મહામારીના કારણે શાળાઓ બંધ છે અને સાતમી જૂનથી શરૂ થયેલા શૈક્ષણિક વર્ષ માટે શિક્ષકો દ્વારા ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યના પ્રાથમિક વિભાગના શિક્ષકોના અસોસિએશને તાજેતરમાં જ રાજ્યના શિક્ષણ વિભાગના ડિરેક્ટરને આ મુદ્દે પત્ર લખીને જાણ કરવામાં આવી હતી.

લગભગ નવ મહિનાના ગાળા બાદ સરકારે ગયા જાન્યુઆરી મહિનામાં શાળામાં હાજર રહીને અભ્યાસ કરવા માટે શાળાઓ શરૂ કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ કોરોનાના કેસમાં ફરીથી ઉઠાળો આવતા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

(8:45 pm IST)