Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

મેઘરાજાએ મિજાજ બદલ્યોઃ દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્ર ઉપર વધુ હેતઃ દક્ષિણમાં માત્ર ૧૫% સૌરાષ્ટ્રમાં ૪૨% વરસાદ

સૌરાષ્ટ્રના અનેક ડેમમાં પાણીની પુષ્કળ આવક... ડેમોમાં ૯૦ ટકા પાણી આવ્યુ

અમદાવાદ,તા.૭: આ વર્ષે મોનસુન સીઝનમાં જાણે નવી પેટર્ન હોય તેમ દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વરસાદ વધુ પડ્યો છે. મેઘરાજાના અવિરત જળાજયોમાં પાણીની પુષ્કળ આવક થઇ છે.

રાજયમાં સતત બે વર્ષ અછતના ઓછાયા બાદ ફરી મેદ્યરાજાએ મહેર વરસાવી છે. આ વખતે ચોમાસા પહેલા જ પ્રિ-મોનસૂૂન એકિટવિટીના ભાગરૂપે વરસાદ શરૂ થઇ ગયો હતો. જયારે ચોમાસાની શરૂઆતમાં જ વ્યાપક વરસાદ પડવાને કારણે અષાઢના ૧૬ દિવસમાં જ સરેરાશ સામે સિઝનનો ૨૨.૦૪ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ૬ દિવસમાં જ વરસાદમાં ૬.૨૪ ટકાનો વધારો થયો છે. ગત ૧લી  જુલાઇએ સરેરાશ સામે ૧૫.૮૦ ટકા વરસાદ નોંધાયો હતો જયારે ૬ જુલાઇના રોજ સવારની સ્થિતિએ ૨૨.૦૪ ટકા વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે.

રાજયમાં અત્યારસુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધુ પડતો હતો અને સામાન્યરીતે ચોમાસાની શરૂઆત પણ દક્ષિણ ગુજરાતથી થતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ પેટર્ન બદલાઇ હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેદ્યરાજાની મહેર જોવા મળી છે. સૂકા પ્રદેશ ગણાતા સૌરાષ્ટ્રમાં સિઝનનો ૪૧.૭૦ ટકા અને કચ્છમાં ૩૩.૪૫ ટકા વરસાદ નોંધાયો છે. જેની સામે દક્ષિણ ગુજરાતમાં માત્ર ૧૩.૫૬ ટકા, ઉત્ત્।ર ગુજરાતમાં ૧૩.૧૨ ટકા અને મધ્ય ગુજરાતમાં ૧૫.૫૮ ટકા વરસાદ નોંધાયો છે.

રાજયમાં ૧૪ જિલ્લામાં અત્યારસુધીમાં સિઝનનો ૨૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ખંભાળિયામાં ૨૪ કલાકમાં જ ૧૯ ઇંચથી વધુ વરસાદ પડતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિઝનનો ૯૦ ટકા વરસાદ નોંધાઇ ચૂકયો છે. જયારે પોરબંદરમાં ૭૧.૩૪ ટકા વરસાદ પડ્યો છે.

રાજયના કુલ ૨૫૧ તાલુકા પૈકી અત્યારસુધીમાં એકપણ તાલુકો એવો નથી કે જયાં સિઝનનો વરસાદ પડ્યો ન હોય. ૧૦૩ તાલુકામાં ૫થી ૧૦ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. જયારે ૫ તાલુકામાં તો ૨૦થી ૪૦ ઇંચ સુધી વરસાદ પડ્યો છે. ૫૦ તાલુકામાં ૧૦થી ૨૦ ઇંચ, ૭૭ તાલુકામાં ૨થી ૫ ઇંચ અને ૧૬ તાલુકામાં ૨ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

રાજયમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે નદીઓ અને જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. રાજયના ૨૦૫ જળાશયો પૈકી ૯ જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાતા હાઇ એલર્ટ વોર્નિંગ જારી કરવામાં આવી છે. જયારે ૮૦થી ૯૦ ટકા સુધી ભરાયેલા ૪ ડેમમાં એલર્ટ અને ૭૦થી ૮૦ ટકા સુધી ભરાયેલા ૩ ડેમમાં વોર્નિંગ જારી કરાઇ છે. જોકે, હજુ ૧૮૯ ડેમ ૭૦ ટકાથી ઓછા ભરાયા છે.

(3:24 pm IST)