Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

વાડજ પીઆઇ જે.એ.રાઠવાની બદલી થતા ગુજરાત પોલીસ જવાનોએ ડીપીમાં ફોટો મૂકીને વિરોધ લાગણી વ્યક્ત કરી

પોલીસનું મોરલ ડાઉન કરતી કાર્યવાહીની ચર્ચા વચ્ચે પોલીસકર્મીઓએ વોટ્સએપ ડીપીમાં રાઠવાનો ફોટો મુક્યો

 

અમદાવાદ: ગુજરાત પોલીસમાં પ્રથમ વખત એવું જોવા મળ્યું કે, કોઈ પોલીસ અધિકારીની બદલી થઈ હોય અને પોલીસ જવાનોએ શાંત અને ઉત્તમ આઈડિયા વાપરીને એવો નિર્દેશ આપ્યો હોય કે, અમે તમારી સાથે છીએ. ગુજરાતના પોલીસ જવાનોએ પોતાના વ્હોટસ એપ ડીપીમાં પીઆઈ રાઠવાનો ફોટો મૂકી પોતાનો વિરોધ અને લાગણી વ્યક્ત કરી છે. આ બદલીથી અન્યાય થયાની ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડતા ખુદ ડીસીપી ઝોન 1 પી.એલ.માલએ પ્રેસ કોન્ફ્રરન્સ કરી ખુલાસો કરવો પડ્યો હતો.

વાડજ પીઆઈ જે.એ.રાઠવાએ કરફ્યુ સમયમાં પસાર થતી સંતની ગાડી રોકી અને કાર્યવાહી કરી હતી. જો કે, ધારાસભ્યોના ફોન આવતાં જે તે લોકોને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દંડ લઈ જવા દેવામાં આવ્યા હતા. આ મામલો પૂરો થયા બાદ તત્કાલ અસરથી બીજા દિવસે પીઆઈ રાઠવાની સ્પેશ્યલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી હતી. પીઆઈ રાઠવાની બદલીને પગલે શહેર પોલીસ બેડામાં ચર્ચાએ શરૂ થઈ કે આ ખોટું થયું છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, કરફ્યુ સમયે ખોટી રીતે બહાર ફરતા લોકો સામે ગુનો દાખલ કરવો. પીઆઈ રાઠવાએ એ જ સુચનનું પાલન કરવાનો પ્રયાસ કર્યો હતો. રાઠવાએ ગાડી રોકી ત્યારે અંદર બેઠેલા કલોલ મંદિરના સાધુઓએ હોસ્પિટલથી આવતા હોવાનું જણાવ્યું હતું. તેઓ પાસે હોસ્પિટલની ફાઇલ માગવામાં આવી જે રજુ કરી શક્યા ન હોતા. આથી રાઠવાએ કાર્યવાહી કરવાની તૈયારી કરી હતી. જો કે સમગ્ર મામલે રાઠવાનું વર્તન ખરાબ હોવાનો ઓડિયો સામે આવ્યાનું ઉચ્ચ અધિકારીઓ જણાવી રહ્યા છે. આ ઓડિયોમાં પીઆઈ રાઠવા બોલી રહ્યા છે કે નહીં તે હજુ સ્પષ્ટ કર્યા વગર તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં સામાન્ય માણસ કરફ્યુ સમયે પકડાય તો તેની સામે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જ્યારે કલોલ મંદીરના સંતની ગાડી પકડાય અને ગુનો દાખલ ના થાય માત્ર દંડ લઈ છોડી દેવામાં આવે છે. બીજા દિવસે ગાડી રોકનાર પોલીસ અધિકારીની બદલી કરી દેવામાં આવે છે. પોલીસનું મોરલ ડાઉન કરતી કાર્યવાહી પીઆઈ રાઠવા વિરુદ્ધ થયાની ચર્ચા ઉઠી છે. પોતાની વાતને વાચા આપવા પોલીસ કર્મચારીઓએ પોતાના વ્હોટસ એપ ડીપીમાં પીઆઈ રાઠવાનો ફોટો મુક્યો છે.

(12:19 am IST)