Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડતા રાહત

વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી : સેટેલાઈટ, ઘાટલોડિયા,ચાંદલોડિયા, પાલડી, રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો

અમદાવાદ,તા.૬ : અમદાવાદ શહેરમાં લોકોને વરસાદ પડતા ગરમીથી રાહત થઈ હતી. વરસાદ પડતા વાતાવરણમાં ઠડક પ્રસરી હતી. આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેમાં અનેક વિસ્તારોમાં તો રવિવાર રાત્રીના ગાળામાં જ વરસાદ પડતા લોકોને રાહત થઈ હતી. આજે અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરખેજમાં ૨૦.૫૦ મીમી, બોડકદેવમાં ૧૧.૫૦, મણિનગરમાં ૯.૫૦, દુધેશ્વર, ચકુડિયામાં ૮.૫૦ અને વટવા, પાલડી, ઉસ્માનપુરા, દાણાપીઠમાં ૭.૫૦ મીમી વરસાદ નોંધાયો હતો.  વરસાદના કારણે વાસણા બેરેજનું લેવલ ૧૩૨.૫૦ ફુટ નોંધવામાં આવ્યું છે. નર્મદા કેનાલમાં ૫૯૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને કેનાલમાં ૯૧૦ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. પાણીની સપાટી વધતા વાસણા બેરેજના બે દરવાજા ૨.૫ ફુટ ખોલવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરના સેટેલાઈટ, ઘાટલોડિયા, નારણપુરા, ચાંદલોડિયા, એસજી હાઈવે, પાલડી, રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

             વરસાદના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામને કરવો પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી ગરમી અને બફારાથી લોકો હેરાન થઈ રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપરએપ સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે. આગામી ત્રણ દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ પડવાથી લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. લોકોએ વરસાદમાં પલડવાની મજા પણ માણી હતી. વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

(10:10 pm IST)