Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ઓગણજના ફાર્મ હાઉસમાં જુગાર રમતા ૧૦ વેપારી જબ્બે

રજા હોવાથી જુગાર રમવા એકઠા થયા હતા : ફાર્મ હાઉસના માલિકે પાંચ હજાર ભાડા પેટે આ જગ્યા જુગાર રમવા આપી હતીઃ ૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે

અમદાવાદ, તા. ૭ : લોકડાઉનમાં પણ શનિ-રવિની રજાઓમાં વેપારીઓ જુગાર રમવાનું ન ચૂક્યાં  હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની સોલા પોલીસે ઓગણજમાં આવેલા એલ.પી. પટેલ ફાર્મમાંં રેડ કરી ૧૦ વેપારીઓને જુગાર રમતાં ધરપકડ કરી ૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફાર્મહાઉસના માલિકે પાંચ હજાર ભાડા પેટે આ જગ્યા જુગાર રમવા આપી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.પી. જાડેજા અને ડિસ્ટાફ પી.એસ. આઈ જે.જે.રાણાએ બાતમીના આધારે એસ. પી. રીંગ રોડ ઉપર આવેલાં ગ્રીન વુડ રિસોર્ટ પાસેના એલ.બી પટેલ ફાર્મમાં રેડ પાડી હતી. આ ફાર્મમાં કેટલાંક લોકો જુગાર રમતાં હોવાની બાતમી પોલીસને મળી હતી.

              પોલીસે રેડ કરી બોપલના મારૂતિનંદન વિલામાં રહેતાં ગિરીશભાઈ પટેલ, સેટેલાઈટમાં રહેતાં જીતેન્દ્રભાઈ પટેલ, સેટેલાઈટ ઉમિયા વિજય સોસાયટીમાં રહેતાં હરેશભાઈ પટેલ, જોધપુર ચાર રસ્તા કામેશ્વર પાર્કમાં રહેલાં કલ્પેશ પટેલ, પ્રેરણાતીર્થ દેરાશર રોડ ઉપર વ્રજ અપાર્ટમેન્ટમાં રહેતાં મનોજભાઈ પટેલ, જોધપુર ગામમાં રહેતાં રોશન પટેલ, સેટેલાઈટમાં રહેતાં મુકેશ પટેલ, આંબલી ગામમાં રહેતાં પ્રવીણ પટેલ, એલ.પી. પટેલ ફાર્મમાં રહેલાં રાહુલ રાવળ, આજ ફાર્મમાં રહેતાં ભલાભાઈ રાવળની ધરકપડ કરી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછ કરતાં એલ.પી. પટેલ ફાર્મના માલિક શીલજમાં આવેલ સ્વાગત બંગલોમાં રહેતાં જસવંતભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું. માલિક જસવંતભાઈ જુગાર રમવા માટે પાંચ હજાર રૂપિયા ભાડું ઉઘરાવતાં હતાં. પોલીસે જુગાર રમવા બેઠેલાં લોકો પાસેથી દાવ ઉપર પડેલા ૪૬ હજાર રૂપિયા અંગ જડતીના ૧.૫૮ લાખ, ૧૧ ફોન મળી કુલ ૩.૨૫ લાખનો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(9:53 pm IST)