Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

માલિકોના ખરાબ અનુભવ છતાં આદિવાસી કર્મભૂમિ તરફ વળ્યા

મજૂરોએ ફરી ધંધા-રોજગાર અર્થે શહેરની વાટ પકડી : રોજી-રોટી માટે જન્મભૂમિથી હિજરત કરી અન્ય શહેરો, રાજ્યોમાં ગયેલા આદિવાસીઓ કફોડી સ્થિતિમાં મુકાયા

રાજપીપળા, તા. ૭ : કોરોનાના કેહેર વચ્ચે સરકારે લોકડાઉન અમલી બનાવ્યું હતું. એ દરમિયાન રોજી-રોટી માટે પોતાની જન્મભૂમિમાંથી હિજરત કરી અન્ય શહેરો અને રાજ્યોમાં ગયેલા આદિવાસીઓ કફોડી સ્થિતિમાં મુકાયા હતા. એવા મજૂરીયાત આદિવાસીઓને એમના શેઠિયાઓએ કોરોનાની મહામારી વચ્ચે જે તે વિસ્તારમાં દયનિય હાલતમાં છોડી દીધા હતા. અમુક લોકોને તો ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા હતા. અંતે એ લોકોએ પોતાના વતન જવાનું નક્કી કર્યું, પણ લોકડાઉન હોવાથી વાહન વ્યવહાર બંધ હોવાથી જાય પણ કેવી રીતે, એમણે મનોમન ચાલતા જવાનું નક્કી કર્યું અને નીકળી પડયા પોતાના પરિવાર સાથે કાળ ઝાડ ગરમીમાં પગપાળા પોતાના વતન જવા.

            જે લોકો શેઠિયાઓ માટે દિવસ રાત મજૂરી કરતા હતા એ જ મજૂરોને શેઠિયાઓનો કડવો અનુભવ થયો હતો, પગપાળા પોતાના વતન જતા આદિવાસી મજૂરો તો એમ કહી રહ્યા હતા કે હવે કોઈ દિવસ અમે પાછા ફરવાના નથી, અમારા વિસ્તારમાં જે મળશે એ કમાઈ લઈશું અને જીવનનો ગુજારો કરી લઈશું અને જો નહીં મળે તો પણ ગમે તેમ જીવી લઈશું. પણ કદાચ વફાદારી પણ ગરીબ લોકો પાસેથી જ શીખવી પડે એવો કિસ્સો હાલ સરકારે અનલોક-૧ જાહેર કર્યું ત્યારે જોવા મળ્યો હતો. સરકારે અનલોક-૧ ની જાહેરાત કરી જેમાં શરતોને આધીન ગુજરાતમાં અનેક ધધા રોજગાર શરૂ કરવામાં આવ્યા છે. જે શેઠિયાઓએ કપરા સમયમાં પોતાના મજૂરોને તરછોડી દીધા હતા એ જ મજૂરો ફરી પાછા ધંધા-રોજગાર અર્થે શહેરની વાટ પકડી હતી.મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તાર માંથી આદિવાસીઓ સુરત તરફ ધંધા રોજગાર માટે વાયા રાજપીપળા બસ મારફતે રવાના થયા હતા. એ આદિવાસીઓનું એવું કેહવું છે કે હવે ફરી પાછી તાળાબંધી ન આવે તો સારુંં. કપરા સમયને વાગોળતા એમણે જણાવ્યું હતું કે ભલે કપરા સમયમાં અમારા શેઠિયાઓએ અમારી તરફ ન જોયું પણ અમે અમારી વફાદારી ન ભૂલીએ, જે જ્ગ્યાએથી અમને અત્યાર સુધી રોજી રોટી મળતી હતી એને અમે દગો કરીએ એ વ્યાજબી ન કહેવાય.

(9:52 pm IST)