Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

એરપોર્ટ પર રિક્ષા-ટેક્સી ચાલકો સુપર સ્પ્રેડર તો નહીં બને ને?

સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા : બહારથી આવતા યાત્રીને ફેરો મેળવવા ઘેરી વળતા રિક્ષા ચાલકો એક પેસેન્જરને ૧૦થી ૧૫નું ટોળું ઘેરી વળે છે

અમદાવાદ, તા. ૭ : લગભગ બે મહિના સુધી બંધ રહ્યા બાદ ૨૫મી મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થતા અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની અવર -જવર શરૂ થઈ ગઈ છે. જોકે ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ એરપોર્ટ પર સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત છે. તેમ છતાં જ્યારે મુસાફરો ટર્મિનલ બિલ્ડીંગમાંથી બહાર નીકળે છે, ત્યારે તેમને ટેકસી અને રિક્ષા ચાલકો ઘેરી લેતા હોય છે. જેને કારણે મુસાફરો પરેશાન થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ જો કોઈ રિક્ષાચાલકે ટેક્સી ચાલકને કોરોના પોઝિટિવ હોય તો તે સુપર સ્પ્રેડર બની ઘણા લોકોને કોરોનાનો ચેપ લગાડી શકે છે. જોકે આ જોખમી વર્તન સામે એરપોર્ટ ઓથોરિટી કે અન્ય એજન્સીઓ દ્વારા કોઇ જ પગલાં લેવાતા નથી. ૨૫મી મેથી અમદાવાદ સહિત દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે જેને કારણે ધીરે ધીરે એરપોર્ટ પર મુસાફરોની અવરજવર શરૂ થઈ ગઈ છે. પહેલા તમામ વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી એરપોર્ટ પર રીક્ષા કે ટેક્સી આવતી નહોતી.

            સરકાર દ્વારા થોડી છૂટછાટ આપવામાં આવતા છેલ્લા થોડા દિવસથી એરપોર્ટ પર ટેકસી અને રિક્ષા ચાલકોની અવરજવર શરૂ થઇ છે. તેમને કામ ધંધો મળતા તેમના પરિવારનું ગુજરાન ચાલે તે જરૂરી છે પરંતુ  પેસેન્જર મેળવવાની લ્હાયમાં ટેક્સી ચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકો ટર્મિનલમાંથી બહાર નીકળતા મુસાફરને રીતસર ઘેરી લેતાં હોય તેવું દ્રશ્ય સર્જાય છે. એક બે મુસાફરોની આજુબાજુ ૨૦ રિક્ષા ટેક્સી ચાલકોના ટોળા થઈ જાય છે. જેને કારણે મુસાફર તો રીતસરના ડઘાઈ જતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મુસાફરોની રજૂઆત છે કે આ સ્થિતિને કારણે એરપોર્ટ પર કોરોનાનો વિસ્ફોટ થઇ શકે તેવી સંભાવના નકારી શકાય નહીં. મુસાફરો દ્વારા આ મુદ્દે એરપોર્ટ ઓથોરિટી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે આ દિશામાં ઓથોરિટી દ્વારા હજુ સુધી કોઈ જ પગલા લેવાયા નથી.

(9:50 pm IST)