Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કાલથી હોટેલ્સ-રેસ્ટોરન્ટ્સને ધમધમતા કરવા સંચાલક સજ્જ

કાલથી હોટલ, રેસ્ટો, મોલ્સ શરૂ કરી દેવાશે : રેસ્ટોરન્ટ-હોટલમાં સેનિટાઈઝેશન, ફ્યુમીગેશન, સાફ-સફાઈનુ કાર્ય પૂર્ણ : થર્મલ ગનનો ઉપયોગ ફરજિયાત

અમદાવાદ, તા. ૭ : લગભગ બે મહિના કરતાં વધુ સમય સુધી બંધ રહેલી અમદાવાદની હોટેલ તથા રેસ્ટોરન્ટ સોમવારથી પુનઃ શરૂ થશે. જેના માટે રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાના રેસ્ટોરન્ટ અને હોટલમાં પૂરતી સાફ-સફાઈ તથા સેનિટાઈઝેશન, ફ્યુમીગેશનની કામગીરી પૂર્ણ કરી દીધી છે.હોટલમાં આવનારા મહેમાનોનું ટેમ્પરેચર ચેક કરવા માટે થર્મલ ગન તથા ગેટ ઉપર જ સેનેટાઈઝિંગ માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. સાથે સાથે જમવા બેસનારા મહેમાનોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટેની પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બીજી તરફ મોટી હોટેલના સંચાલકોમાં ભારે હતાશા જોવા મળી રહી છે તેઓ માને છે કે હજુ લાંબા સમય સુધી કોઈ ગેસ્ટ આવે તેવી સંભાવના નથી. અમદાવાદની મોટી હોટલોમાં આવેલા રેસ્ટોરન્ટ સહિત લગભગ ૫૦૦૦ રેસ્ટોરન્ટ સોમવારથી શરૂ થશે. જોકે રેસ્ટોરન્ટ ચાલકોમાં પણ સાંજે ડીનર માટે રેસ્ટોરન્ટ ખુલ્લા નહિ રાખી શકાય તેવી જોગવાઈ હોવાના લીધે ગ્રાહકોની રાહ જોવી પડશે તેવી માન્યતા પ્રવર્તી રહી છે.

             ફુડ આંત્રપ્રિન્યોર એલાયન્સના કો-ફાઉન્ડર દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે તમામ રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતપોતાના રેસ્ટોરન્ટ અને હોટલની સાફ સફાઈ કરાવી દીધા બાદ પોતાના સ્ટોરમાં પડેલો માલ કે જે લગભગ બે મહિના સુધી પડયો રહ્યો હતો તેવા માલનો નિકાલ કરી નવા માલની ખરીદી કરી લીધી છે.પોતાની હોટલ કે રેસ્ટોરન્ટમાં આવનારા તમામ ગ્રાહકનું ટેમ્પરેચર ચેક કરવા માટે ટેમ્પરેચર ગન પણ વસાવી લેવામાં આવી છે. સાથે સાથે દરવાજા ઉપર જ સેનેટરાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે અંગેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે રેસ્ટોરન્ટ- હોટલનો ધંધો મોટા ભાગે સાંજનો હોય છે લોકો ડિનર માટે બહાર નીકળવાનું પસંદ કરતા હોય છે પરંતુ સાંજે નવ વાગ્યા પછી કરફ્યુ હોવાથી હોટલ રેસ્ટોરન્ટમાં ડિનરનો ધંધો મળી શકશે નહીં. બીજી તરફ હોટેલ એસોસિએશનના નરેન્દ્ર સોમાણી કહેવું છે કે જે મોટી હોટેલો છે તે હોટલમાં તો કસ્ટમર આવે અને રહેતા થાય તે માટે તો ખાસ્સો સમય લાગી જશે એટલે શહેરની થ્રી સ્ટાર-ફાઈવસ્ટાર હોટલો અને શરૂ થવામાં ખાસ્સો સમય લાગશે.

(9:49 pm IST)