Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

શરૂઆતનાં વરસાદમાં જ રસ્તો બેસી જતા ટ્રક પલટી ખાઈ ગઈ

અચાનક એક ટ્રક પસાર થતા રસ્તો બેસી ગયો : ટ્રક ડ્રાઇવર અને ક્લિનર ઘાયલ :સવારે દસ વાગ્યા સુધી મનપાના કોઈપણ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા

અમદાવાદ, તા. ૭ : શહેરમાં જેમ જેમ વરસાદ લોકોને ઠંડક આપી રહ્યો છે તેમ તેમ અમદાવાદ મહાનગરપાલિકાનું ટેન્શન વધી રહ્યું છે. કારણ કે ,અમદાવાદના દરેક વિસ્તારમાં ભુવા પડવાની ઘટનાની શરૂઆત થઈ ચૂકી છે. વાત અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની છે. સવારના છ વાગ્યે અચાનક એક ટ્રક પસાર થતા રસ્તો બેસી ગયો. સવારના સમયે બનેલી ઘટનાને કારણે ટ્રક ચલાવનાર અને ક્લિનરને થોડી ઈજા પહોંચી છે. સવારના દસ વાગ્યા સુધી અમદાવાદ મહાનગરપાલિકાના કોઈપણ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. જેનો માલ હતો તે બીજા ટ્રાન્સફર થઈ રહ્યો હતો. આવી પરિસ્થિતિમાં સૌના ચહેરા પર એક જ સવાલ હતો કે જો કોઈ વ્યક્તિ રસ્તા પાસે હોય તો તેનું શું થાત ? સવારના ૫.૪૪ કલાકે ટ્રક મેઘાણીનગરના આશીર્વાદ હોસ્પિટલ પાસેથી પસાર થાય છે અને અચાનક જ રસ્તા ઉપરથી પસાર થતી ટ્રક પલટી ખાઈ જાય છે.

                   જેને કારણે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી પર ચોક્કસથી સવાલ ઊઠે છે કારણ કે, અગાઉના બે મહિના દરમિયાન અમદાવાદ મહાનગર પાલિકા પાસે રસ્તાઓની કામગીરી કરવાનો પૂરતો સમય હતો પરંતુ તે સમયનો માત્ર  વ્યય થયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લાં છ વર્ષથી મેઘાણીનગરમાં પડે છે ભૂવોઅમદાવાદમાં હજુ તો એક ઇંચ વરસાદ છે ત્યારે આ પરિસ્થિતિ છે જો વધારે વરસાદ પડે તો અમદાવાદની પરિસ્થિતિ શું થશે તે સવાલ અહીં ચોક્કસથી ઊઠે છે. મેઘાણીનગર વિસ્તારમાં આ જગ્યા ઉપર છેલ્લા છ વર્ષથી રસ્તો બેસી જવાની ઘટના બને છે. અમદાવાદ મહાનગરપાલિકા તેને રિપેર પણ કરાવે છે પરંતુ તેનું કાયમી ધોરણે નિરાકરણ આવતું નથી. આહિર પ્રજાપતિએ આક્ષેપ કર્યો છે કે, રસ્તા બેસી જવાની ઘટનાને કારણે સ્થાનિકો પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે.  એટલું જ નહીં ટ્રાફિક સમસ્યા પણ અહીં સર્જાતી હોય છે. તો આ વિસ્તારમાં રહેતા  કુણાલ પંડયાના જણાવ્યા પ્રમાણે, આ રસ્તાની નીચેથી ડ્રેનેજ લાઈન પસાર થાય છે જેને કારણે દર વર્ષે આ ઘટના બને છે. ગયા વર્ષે ડ્રેનેજ લાઈન ખોદવામાં આવી હતી ત્યારે તે સડેલી હતી અને કાટ પણ વધારે ચઢી ગયો હતો છતાં તેનું સમારકામ કરીને રસ્તો રીપેર કરી દેવામાં આવ્યો જેને કારણે આ વર્ષે આ ઘટના બનવા પામી છે.

(9:51 pm IST)