Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

કોરોના વાયરસના કાળમાં વિદ્યાર્થીઓને ફી માફી આપી

સંચાલકો માટે ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે : ૧૯૭૩થી કાર્યરત અમદાવાદની એક શાળાના સંચાલકોએ સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપી છે

અમદાવાદ, તા. ૭ : કોરોનાના કપરા કાળમાં વાલીઓ પર મેસેજ કરી ફી ભરવા દબાણ કરતા એવા શાળાના સંચાલકો માટે ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારની શાળાએ એપ્રિલ માસથી ઓક્ટોબર માસ સુધી એટલે કે ૬ મહિનાની ફી માફી કરવાની આવકારદાયક નિર્ણય કર્યો છે. કોરોના વાયરસ ના કેસો વધતા દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું અને તેની સૌથી મોટી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર થઈછે. કારણ કે સતત ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓ નો અભ્યાસ સદનતર બંધ થઈ ગયો હતો. બીજીતરફ લોકડાઉન જાહેર થતા ઘણા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર ની હાલત કફોડી થઈ ગઈ હતી. તેમ છતાં, અમદાવાદમાં ઘણી શાળાઓના સંચાલકોએ વાલીઓને ફી ભરવા દબાણ કર્યું હતું અને વાલીઓને માનસિક રીતે હેરાન કર્યા .

          તેવામાં અમદાવાદના દરિયાપુરની જે.પી. હાઈસ્કૂલએ એપ્રિલ મહિનાથી આગામી ૧ ઓક્ટોબર માસ સુધી કોઈ ફી નહીં લેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, સ્કૂલમાં નવા એડમિશન લેનાર વિદ્યાર્થી માટે પણ એડમિશન ફી તેમજ ઓકટોબર સુધી ફી માફી આપી છે. આ અંગે જે.પી. સ્કૂલના ટ્રસ્ટી જીતુભાઈ શાહે જણાવ્યું કે જે.પી. સ્કૂલ ધોરણ ૧થી ૧૨ની સ્કૂલ છે. જેમાં ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ એ ફી ભરવાની હોતી નથી જ્યારે ૧ થી ૮ ધોરણ ના વિદ્યાર્થીઓ ફી ભરવામાં માફી આપી છે. જે માટે સ્કૂલના તમામ ટ્રસ્ટીઓએ સહિયારો નિર્ણય કર્યો છે. દરિયાપુર વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગીય લોકો રહે છે.

           જેથી જે. પી. સ્કૂલમાં મોટાભાગે તેમના બાળકો ભણે છે. કોરોનાના આ કપરા કાળમાં વાલીઓને ખૂબ મુશ્કેલીઓ પડી છે. કારણ કે આ વિસ્તાર કન્ટેઈનમેઈન્ટ ઝોનમાં આવતો હતો જેથી લોકોને ખૂબ મુશ્કેલીઓ પડી. આવી જ રીતે, ૧૯૮૫ સમયના તોફાનોમાં પણ આ પ્રકારે લાંબો સમય સ્કૂલો બંધ થઈ હતી. જેના કારણે ઘણા બાળકોએ શાળાએ આવવાનું તો કોઈએ અભ્યાસ જ છોડી દીધો હતો અને હવે કોરોના કાળમાં આવી સ્થિતિ ઊભી થઈ છે. જેથી બાળકો અભ્યાસ છોડી ના દે તે માટે ફી માફીનો નિર્ણય કર્યો છે.  મહત્વનું છે કે, અમદાવાદમાં દરિયાપુરની આ સ્કૂલ ૧૯૭૩ ના સમયની છે. આજ કાલ જ્યારે ખાનગી શાળાના લાલચુ સંચાલકો ફી, ડોનેશન, પુસ્તકોની કિંમત, ગણવેશની કિંમત પણ વાલીઓ પાસેથી વસુલાત હોય છે ત્યારે કોરોના વાયરસના સંક્રમણના આવા સમયે આ જે. પી. હાઈસ્કૂલેવાલીઓની પડખે ઊભા રહી ખરા અર્થમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

(7:54 pm IST)