Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

મુખ્યમંત્રી રૂપાણી ફૂલ એકશન મોડમાં : સોમવારથી ધર્મસ્થાનો ખોલવા સરકારની તૈયારી : વધુ ભીડ ટાળવા મોટા ધર્મસ્થાનોમાં ટોકન સિસ્ટમ અપનાવવા કર્યું સૂચન

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર, દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી : જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.૩૧ માર્ચ-ર૦ર૧ સુધી માન્ય રાખવામાં આવશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાઈ રહેલી બેઠકમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડ લાઇન્સ  મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. CM રૂપાણીએ જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મસંસ્થાઓના સંતોમહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી આ સમગ્ર બાબતે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું.

  મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણની સ્થિતિમાં હજુ જૂન અને જુલાઈ માસમાં મંદિરોમાં કોઈ ઉત્સવને પરવાનગી આપવામાં નહિ આવે. તેમણે એવું પ્રેરક સૂચન કર્યું કે, મોટા મંદિરો ધર્મ સ્થાનકોમાં આવતા દર્શનાર્થીઓને ટોકન આપી ચોક્કસ સમય આપી દેવાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ભીડભાડ અટકાવી શકાશે.

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે વધુ એક જનહિતકારી નિર્ણય લીધો છે, જે મુજબ SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર, દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી છે. જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના પૂરી થાય છે તે દાખલાઓ હવે તા.૩૧ માર્ચ-ર૦ર૧ સુધી માન્ય રાખવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદત તા.૩૧-૩-ર૦ર૦ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે તા.૩૧-૩-ર૦ર૧ સુધી વધારી આપવામાં આવી છે. OBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા ૩ વર્ષની હોય છે. તેથી મુખ્યમંત્રી રૂપાણીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તા.૩૧ - ૩ - ર૦ર૦ના પૂર્ણ થતી હોય તે આપોઆપ તા.૩૧-૩-ર૦ર૧ સુધી એટલે કે એક વર્ષ માટે વધારી દેવાશે. આ મુદત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહિ. લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવા મામલતદાર કચેરી કે સરકારી કચેરીએ જવું નહિ પડે.

(7:25 pm IST)