Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રાજ્યમાં કોરોના સામે રચાયું ટાસ્ક ફોર્સ: સંક્રમણની સ્થિતિમાં કેવી રીતે લડવું અને કેવા એક્શન લેવા તેની આપી માહિતી

કોરોનાનાં જેને લક્ષણ નથી તેને ટેસ્ટની જરૂર નથી: ડૉ. તેજસ પટેલ

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં દિવસે ને દિવસે વધુ ને વધુ કોરોના સંક્રમણ ફેલાતો જાય છે ને એમાં પણ અમદાવાદમાં તો કોરોનાનાં કેસ દિવસે ને દિવસે સતત વધતા જઇ રહ્યાં છે. ત્યારે આ અંગે આજે આરોગ્ય વિભાગે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જાણકારી આપતા કહ્યું કે, ‘રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને આધારે રાજ્યમાં વિશ્વ કક્ષાનાં તજજ્ઞોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેની અંદર ડૉ. તેજસ પટેલ, ડૉ. પંકજ શાહ, અતુલ પટેલ, ડૉ. મહર્ષી દેસાઈ, દિલીપ માલવણકર અને ડૉ. અમીબેન પરીખનો સમાવેશ થાય છે.’

જયંતિ રવિએ જણાવ્યું કે, ‘કોરોના વાયરસ સામે કઇ રીતે એક્શન લેવું અને કયા સુધારા-વધારા કરવા તે અંગે 9 તબીબોની વિશેષ ટીમ માહિતી આપશે. કોરોનાની સ્થિતિ સામે કેવી રીતે લડવું તે અંગેની માહિતી આ તબીબો આપશે. માત્ર ગુજરાત જ નહીં ભારત કક્ષાનાં તજજ્ઞો આમાં છે.’

 

આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે, ‘200 કરતા વધુ દેશોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે અને આ વાયરસ આખી દુનિયા માટે નવો છે. કોરોનાનો કોઈ કાયમી ઈલાજ નથી. જેને કોરોનાનાં કોઈ લક્ષણ જ નથી તેને ટેસ્ટની કોઇ જરૂર નથી. સ્પેસિફિક ઈન્ડિકેશન હોય તો જ ટેસ્ટની જરૂર છે. ગંભીર દર્દીઓ પર વધુ ધ્યાન આપવામાં આવશે અને તેઓને તુરંત સારવાર આપવા પર ભાર મુકાશે. જેટલો સમાજ ચિંતિત છે તેટલાં જ તબીબો પણ ચિંતિત છે. મોત કેમ વધારે થયા છે તેનો જવાબ આપવો અઘરો છે. પ્રથમ લક્ષણ 8થી 10 દિવસમાં જોવા મળે છે. જેમ ઉંમર વધે છે તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. યુરોપિયન દેશોમાં મૃત્યુ દર અલગ અલગ છે.’

(5:21 pm IST)