Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે

સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ સહિત દીવમાં તોફાની વરસાદ થવાની સંભાવના

અમદાવાદ : રાજયમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વભાગે કરેલી આગાહી પ્રમાણે સતત પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ, ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ભરુચ અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ સહિત દીવમાં તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે 30-40 કિલોમીટરનો પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

જ્યારે 10 અને 11 તારીખ દરમિયાન ફરી એકવાર 30-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, ખેડામાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢમાં વરસાદ નોંધાઈ શકે છે. આ તારીખ દરમિયાન દાહોદ, છાટાઉદેપુર, વલસાદ, નવસારી, દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(5:19 pm IST)