Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

ટેકનોક્રેટ વિદ્યાર્થીઓએ કોરોનાના દર્દીઓ માટે "દોસ્તાર" રોબોટ બનાવ્યો : wifi થી કરશે કામ

દર્દીઓની સારવાર માટે તથા પ્રજાની સલામતી માટે ઉપયોગ થઈ શકે એવા ઘણા ઉપકરણો બનાવ્યા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા: કોરોના મહામારી વિશ્વ માટે એક ચિંતાનો વિષય બની છે.તો બીજી બાજુ કોરોના દર્દીઓની સેવા કરતા આરોગ્ય કર્મીઓને કોરોનાનો ચેપ લાગવાનો સૌથી મોટો ખતરો છે.આવા અનેક કારણોસર ટેક્નોક્રેટ દ્વારા કોરોના મહમારીમાં દર્દીઓની સારવાર માટે તથા પ્રજાની સલામતી માટે ઉપયોગ થઈ શકે એવા ઘણા ઉપકરણો બનાવ્યા છે.સુરતની SVNIT કોલેજના ટેક્નો- ક્રેટ યુવાન વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી રોબોટ બનાવ્યો છે જે કોરોનાના દર્દીઓની સારવાર માટે ઘણો ઉપયોગી સાબિત થશે.એ રોબોટને દોસ્તાર (DOSTAR) (Differentially Operated System To Assist Recovery) નું નામ આપવામાં આવ્યું છે.

 સુરતના એડિસિનલ ઇજનેર કે.એચ.ખાટવાણીની વિનંતી મુજબ અને સંસ્થાના નિયામક ડો.શૈલેષ. આર.ગાંધી,તથા ડો.મનીષ કે રાઠોડની આગેવાની હેઠળની ટીમ દૃષ્ટિ (DRISHTI)અને SVNITના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વર્કશોપ પ્રોફેશનલ્સ સાથેફૂડ એન્ડ એમેનિટીસ ડિલિવરી રોબોટ વધારાની સુવિધાઓ સાથે આ રોબોર્ટ બનાવ્યો છે.

મૂળ રાજપીપળાના અને સુરત SVNIT આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.મનીષ રાઠોડે જણાવ્યું હતું કે આ રોબોટ wifi થી કામ કરે છે.તેને 150 થી 200 મીટર આરામથી વાયર લેસ ચલાવી શકાશે.તે આરામથી 30 કિલો વજન લઈ શકશે.તેમાં દર્દીની ફાઇલ્સ અને ફોલ્ડર મૂકવા માટે પણ સ્પેશિયલ ખાનું આપવામાં આવ્યું છે.એક ભાગ એવો ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જેમાં પાણીની બોટલો, ગ્લુકોઝ પાઉચ વગેરે સરળતાથી સંપર્કમાં લીધા વિના લટકાવી શકાય છે અને લઈ જઇ શકાય છે.તેમાં સારો એવો બેટરી બેકઅપ છે અને ઝડપી ચાર્જિંગ ક્ષમતા ધરાવે છે, જે ફક્ત એક કલાકમાં સંપૂર્ણ રિચાર્જ થાય છે.આ રોબોટ મહેશ બિરાજદર, અંકિત આનંદ, ફેનીલ દેસાઈ, રજતસિંહ, શિવાંશ મિશ્રા, કલશ તિવારી, સચિન વેકરીયા તથા ગજેન્દ્રભાઈ પંચાલની (ફોરમેન, વર્કશોપ) અથાગ મહેનતનું પરિણામ છે.એ રોબોટ કોરોના દર્દીઓ સાથે સામાજિક અંતરને જાળવી રાખીને, દર્દીઓની જરૂરીયાતો પૂરી કરવામાં ડોકટરો અને નર્સોને મદદ કરશે.એ રોબોટને સુરત શહેરની "SMMIMER" હોસ્પિટલને ડોનેટ કરવામાં આવ્યો છે.સુરત SVNIT કોલેજ દ્વારા 3 ડી પ્રિન્ટેડ માસ્ક અને ડોર ઓપનર, યુવી આધારિત સેનિટાઇઝેશન બોક્સ, હોસ્પિટલો માટે સ્વચાલિત ટ્રોલી, સેનિટાઇઝર, ફુટ ઓપરેટેડ સેનિટાઈઝર ડિસ્પેન્સર, હોમ ક્વોરેન્ટાઇન ટ્રેકિંગ અને એલર્ટ મેસેજ જનરેશન સિસ્ટમ અગાઉ SMC ને ડોનેટ કર્યું હતું.

(4:56 pm IST)