Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

રાજપીપળા શહેરમાં 3 કલાક વીજ પુરવઠો ખોરવાતા ફરિયાદ કેન્દ્ર પર લોકટોળાએ હલ્લો મચાવ્યો

ઉચ્ચ અધિકારીઓના ઘરોમાં પણ અંધારપટ થયું હોવા છતાં ચૂપકીદી : જરાક પણ હવા કે વરસાદ ન હોવા છતાં અંધારપટ છવાઈ જતા ગરમીના કારણે લોકો ઉશ્કેરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં વીજ કંપની દ્વારા કોઈજ યોગ્ય કામગીરી થતી ન હોય વારંવાર ગમે એ ઋતુમાં લાઈટો જવાની મોકણ જોવા મળે છે વારંવાર સ્થાનિકો દ્વારા ફરિયાદ બાદ પણ ખાડે ગયેલા વહીવટના કારણે યોગ્ય મરામત ન થતા આ તકલીફ ત્યાંની ત્યાં જ જોવા મળે છે.

 ગઈકાલે શુક્રવારે રાત્રે સહેજ પણ પવન કે વરસાદ ન હોવા છતાં અચાનક લાઈટો બંધ થઈ પરંતુ કલાક સુધી લાઈટો ન આવતા અને વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર ના ફોન પણ ન લાગતા અકળાઈ ઉઠેલા લોકો ત્યાં દોડી ગયા બાદ હલ્લો મચાવ્યો હતો જોકે ત્યાંથી જાણવા મળ્યું કે ક્યાંક ફોલ્ટ થયો છે એ મળતો ન હોય શોધે છે એમ કરતાં કરતાં 3 કલાક બાદ ફોલ્ટ મળ્યો ત્યારબાદ લાઈટો આવી હતી.

  આશ્ચર્ય ની વાત એ હતી કે એક ઈજનેર સાથે અન્ય કર્મચારીઓ ફોલ્ટ શોધતા 3 કલાક નો સમય વેડફાયો હોય ત્યારે વીજ કંપની ની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા. પ્રિમોન્સૂન ના નામે માત્ર આખો દિવસ લાઈટો બંધ રાખી સમય બરબાદ કરતા વીજ કંપની ના કેટલાક અધિકારીઓ જાણે લોકો ને હેરાન કરતા હોય તેવા પણ આક્ષેપો થયા હતા ત્યારે બીજી તરફ જિલ્લા કલેક્ટર,પ્રાંત જે મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીઓ પણ આ કાયમની તકલીફ બાબતે મૌન સેવી રહ્યા હોય જેના કારણે લોકો માં ભારે રોષ જોવા મળ્યો છે. કેમ કોઈ ઉચ્ચ અધિકારી કાયમી આ તકલીફ બાબતે વીજ કંપનીના અધિકારીઓને નોટિસ આપતા નથી કે કોઈ કડક પગલાં લેતા નથી..? જોકે કેટલાક અધિકારીઓ ના સરકારી નિવસ્થાને પણ અંધારપટ હોવા છતાં આંખ આડા કાન કરી બેઠેલા અધિકારીઓ આ બાબતે કેમચૂપકીદી સેવી બેઠા છે એ પ્રજા ને સમજાતું નથી જ્યારે કેટલાક ને ત્યાં ઇનવરટર હોવાથી પ્રજા ની કઈ પડી નથી તેવી વાતે લોકો ભારે રોષે ભરાયા હતા.

(4:54 pm IST)