Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અત્યારે રાજકારણમાં દાદાગીરી મસલ્સ પાવરનો મેનિયા ચાલતો હોવાથી રાજય સભાની ચૂંટણીમાં ભાજપના જ ત્રણેય ઉમેદવારોની જીત થશે

એનસીપી નેતા શંકરસિંહ વાઘેલા દ્વારા કોંગ્રેસના નેતાઓ પડી રહ્યા છે ત્યારે સુચક -નિખાલસ એકરાર

ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને પગલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પાર્ટીને રામ-રામ કહી રહ્યાં છે, ત્યારે NCP નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. શંકરસિંહે આરોપ લગાવ્યો છે કે, રાજ્યસભા ચૂંટણી પહેલા જ ભાજપ ફિક્સિંગ કરવા લાગે છે.

તાજેતરમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે, NCPના ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણીમાં મતદાન વખતે ભાજપના ઉમેદવારને સમર્થન આપવાના છે. આ અંગે શંકરસિંહે જણાવ્યું કે, NCPના ધારાસભ્યો ભાજપના ઉમેદવારોને મત આપે, તો એ ફિક્સિંગ કહેવાશે.

કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો પાર્ટીમાંથી રાજીનામું આપી રહ્યા છે, ત્યારે શંકરસિંહે જણાવ્યું કે, આવા પક્ષ પલટો કરનારા ધારાસભ્યોને સખ્ત સજા થાય તેવા નિયમો બનાવવા જોઈએ. હાલના રાજકારણમાં દાદાગીરી વધી ગઈ છે. ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો તોડીને લૉકશાહીનું ખૂન ના કરવું જોઈએ. શંકરસિંહે વધુમાં જણાવ્યું કે, હાલની રાજકીય સ્થિતિને જોતા ભાજપના ત્રણેય રાજ્યસભાના ઉમેદાવારો જીતી જશે એવું મને લાગે છે.

જણાવી દઈએ કે, તાજેતરમાં જ NCP પ્રદેશ પ્રમુખ તરીકે શંકરસિંહ વાઘેલાના સ્થાને જયંત પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જેને પગલે શંકરસિંહ નારાજ હોવાની અટકળો ચાલી રહી છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના સત્તાવાર ટ્વીટર પ્રોફાઈલમાં પણ પાર્ટીનું નામ હટાવીને પૂર્વ મુખ્યમંત્રી કરી નાંખ્યું છે. હવે 19-જૂને રાજ્યસભાની ચૂંટણી બાદ શંકરસિંહ વાઘેલા શું પગલું ભરશે તેના પર સૌની નજર રહેશે.

(4:37 pm IST)