Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

નિર્સગ વાવાઝોડુ ન આવ્યુ પણ ગુજરાતમાં વરસાદનું મુર્હૂત સાચવતુ ગયું : ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદ : નિસર્ગ વાવાઝોડું તો ફંટાઈ ગયું, પણ તેની અસર તળે સમગ્ર ગુજરાત વરસાદમય બની ગયું છે. ગઈકાલ સાંજથી ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતના વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી ગઈ છે, જેને કારણે લોકો ગેલમાં આવી ગયા છે. ગઈકાલે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અમદવાદ શહેર, પોરબંદર, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબીમાં ભારે વરસાદ નોંધાયો છે

આજે વહેલી સવારે પોરબંદરના વાતાવરણમા પલ્ટો જોવા મળ્યો હતો. પોરબંદર શહેરમા વરસાદી ઝાપટું પડ્યુ હતું, આમ ભારે બફારા બાદ વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો સુરતમાં પણ વહેલી સવારે વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક ભાગોમાં વરસાદ નોંધાયો છે. પવન અને વિજળીના કડાકા સાથે ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.

સાબરકાંઠા વિજયનગરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. વડાલીના વડગામડા, થેરાસણા, થુરાવાસમાં મન મૂકીને મેઘ વરસ્યો છે. તો વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં રાત્રિ દરમિયાન  વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલ વરસાદમાં વડાલી 2 મીમી, ખેડબ્રહ્મામાં 8 મીમી, વિજયનગરમાં 29 મીમી અને તલોદમાં 1 મીમી વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ટંકારા, મોરબી અને વાંકાનેર તાલુકામાં વરસાદ ચાલુ છે. તો છેલ્લી એક કલાકથી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે.

બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. થરાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. તો ડીસા, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા,પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

વરસાદ વરસતાં સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ગઈકાલે રાત્રે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે  ધોધમાર વરસાદ વરસ્યો હતો. ૩૦ મિનિટથી અવિરત વરસાદ પડ્યો હતો. મધરાતે સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં (સવારના 6 થી 6) સરેરાશ 44.52 મિમી વરસાદ નોંધાયો છે. હાલ વાસણા બેરેજના તમામ દરવાજા બંધ છે. તેમજ બેરેજની સપાટી 133.23 ફૂટ પર સ્થિર છે. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે, વરસાદ બંધ થતાં પાણી ઓસર્યા પણ હતા.

(11:53 am IST)