Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

હોસ્પિટલાઈઝેશનના નિયમો બદલો નહીંતર કન્ટેમ્પ્ટનો કેસ

નેગેટિવ આવ્યા બાદ હોસ્પિટલ દર્દીને રજા આપી શકે : કોરોનાને લઈને હાઈકોર્ટના સ્પષ્ટ નિર્દેશ બાદ એએમએ અને સરકાર સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ

અમદાવાદ, તા. ૭ : કોરોનાને લઈને ગુજરાત હાઈકોર્ટના સ્પષ્ટ નિર્દેશ બાદ અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને ગુજરાત સરકાર એકબીજાની સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એએમએ એ રાજ્ય સરકારના આરોગ્ય કોવિડ-૧૯ ટેસ્ટિંગને લઈને આપેલા ૨ જૂનના આદેશ અંગે સ્પષ્ટતા કરતા જણાવતા રાજ્યના આરોગ્ય સચિવ જંયતિ રવિને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે, સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશ કે જે મુજબ જો વ્યક્તિને કોરોના ટેસ્ટ કરાવવો હોય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે છે તેના પર ફેરવિચારણા કરવામાં આવે. મહત્ત્વનું છે કે, ૨ જૂનના દિવસે રાજ્ય સરકાર તરફથી આરોગ્ય વિભાગના એડિ. ડિરેક્ટર ડૉ. પ્રકાશ વાઘેલાએ જાહેર કરેલા નવા નોટિફિકેશન મુજબ, જો કોઈપણ દર્દીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યો હોય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા જરૂરી છે. જેથી જો તેઓ પોઝિટીવ આવે તો સંક્રમણના ફેલાવાને પહેલાથી જ રોકી શકાય. તેમજ આ ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ આવ્યા બાદ જ હોસ્પિટલ દર્દીને ડિસ્ચાર્જ કરી શકે.

         તેમજ જો પરિણામ પોઝિટીવ આવે તો દર્દીની સારવાર કોવિડ-૧૯ના પ્રોટોકોલ મુજબ તાત્કાલિક શરૂ કરી શકાય. આ નવો નિયમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ દિશાનિર્દેશનો અને ૬ જેટલી કેટેગરીમાં પ્રાઈવેટ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવામાંથી આપવામાં આવેલ છૂટ બાદ લેવામાં આવ્યો છે. એએમએ ના  પ્રમુખ ડૉ. મોના દેસાઈએ પોતાના પત્રમાં આરોગ્ય સચિવ જંયતિ રવિને લખ્યું છે કે ઓથોરિટી દ્વારા આ નિયમમાં કોર્ટના આદેશ અનુસાર ફેરબદલ કરવામાં તેમજ તેમણે આ બાબતે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. જે દરમિયાન આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે સત્વરે ધ્યાન આપશે. એએમએમાં પત્રમાં કહેવાયું છે કે, હાઈકોર્ટ દ્વારા પોતાના આદેશમાં ક્યાય પણ તેમ નથી કહેવામાં આવ્યું કે જેમને પણ કોરોના ટેસ્ટ કરાવવો હોય તેમણે પરિણામ આવે ત્યાં સુધી હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે.

          જેથી સરકાર દ્વારા આપવામાં આવેલ આદેશમાં રહેલી આ શરતને જો પરત નથી ખેંચવામાં આવતી તો તે હોઈકોર્ટના આદેશની વિરુદ્ધ છે અને આવી સ્થિતિમાં અમારી પાસે હોઈકોર્ટમાં કન્ટેમ્પ્ટની અપીલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી રહેતો. ડૉ. દેસાઈએ કહ્યું કે, અમને અનેક ડૉક્ટર્સે ફરિયાદ કરી છે કે દર્દીના સ્ટેટસને જાણ્યા વગર જ તેમને હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીઓ સાથે રાખવાથી તેમનામાં પણ સંક્રમણનો ચાન્સ વધે છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. ભારત ગઢવીએ પણ કહ્યું કે, અમારા એસોસિએશનને પણ સરકારને આ બાબતે પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે.

(7:46 pm IST)