Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

આણંદના વિદ્યાનગરમાં એપીસી છાત્રાલય નજીક વધતા અકસ્માતોથી લોકોને હાલાકી

આણંદ:ના વિદ્યાનગર માર્ગ પાસે આવેલ એપીસી છાત્રાલય ચોકડી પાસે છેલ્લા ઘણાં વખતથી અકસ્માતોનું પ્રમાણ વધી જવા પામ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં ચાર અકસ્માતો થઈ જતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આણંદ વિદ્યાનગર માર્ગ ઉપરથી પસાર થતાં વચ્ચે એપીસી છાત્રાલય પાસેથી નડિયાદ, બોરસદ, તારાપુર, ખંભાતને જોડતો નવોે માર્ગ પસાર થાય છે. બે વર્ષ પહેલા અગાઉના કલેક્ટર ર્ડા.ધવલ પટેલ દ્વારા એલીકોન પાછળથી એપીસી છાત્રાલય થઈ લાંભવેલ નડીયાદ તરફ જતી ડેડ કેનાલ ઉપરના દબાણો હટાવી તેની ઉપર નડિયાદ બોરસદ ખંભાતને જોડતો ફોરલેન માર્ગ બનાવવામાં આવ્યો હતો. જેને પગલે વાહન ચાલકોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. પરંતુ આ માર્ગનું જ્યારથી લોકાર્પણ થયું ત્યારબાદ રોજબરોજના અકસ્માતોની ઘટનાઓ વધી જવા પામી છે. નડીયાદ લાંભવેલ તરફથી આવતાં વાહન ચાલકો બેફામ રીતે વાહનો હંકારી આ માર્ગ ઉપરથી પસાર થતાં હોય છે. જેના પગલે આણંદ વિદ્યાનગર માર્ગ ઉપર અવરજવર કરતાં વાહનચાલકોને અવારનવાર અકસ્માતોનો ભોગ બનવું પડતું હોવાથી વ્યાપક પ્રમાણમાં ફરીયાદો ઉઠવા પામી છે. આ માર્ગને એપીસી ચોકડી તરીકે નામ આપવામાં આવ્યું છે. કેટલાક જાગૃતજનોના જણાવ્યાનુસાર આ માર્ગ વાહનચાલકો માટે ખુબ જ આશીર્વાદરૃપ સાબીત થયો છે. પરંતુ સાથે સાથે વાહનચાલકોની બેદરકારીને કારણે આ માર્ગ ઉપર અકસ્માતો પણ વધી જવા પામ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન અહીંયા ચાર અકસ્માત થઈ ચુક્યા છે. દર બીજે ત્રીજે દિવસે અહીંયા અકસ્માત થાય છે માટે તંત્ર દ્વારા આ ચોકડી ઉપર ચારે તરફ બમ્પ મુકવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે. આજે વહેલી સવારે કરમસદથી બારડોલી તરફ થઈ રહેલ એસ.ટી. સાથે લાંભવેલ ટી પોઈન્ટ તરફથી પુરપાટ ઝડપે આવેલી કાર ધડાકાભેર એસ.ટી. સાથે અથડાતાં કારના આગળના ભાગના ફુરસા ઉડી ગયાં હતાં. જો કે નસીબજોગે કારચાલકને વધતી ઓછી ઈજા સિવાય કોઈ જાનહાની થઈ ન હોતી પરંતુ જો એસ.ટી. ચાલકે સમય સુચકતાં ન દાખવી હોત તો અકસ્માત ગંભીર થવાની શક્યતા હોવાનું સ્થાનીકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
 

(7:11 pm IST)