Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

યુવકને માર મારનાર ચાર સામે હત્યાનો ગુનો દાખલ

અમરાઇવાડીમાં મહિલાની છેડતી કરનારનું મોત : છેડતીનો ભોગ બનનાર મહિલાએ પણ આત્મહત્યા માટેનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ

અમદાવાદ,તા. ૭ :  શહેરના અમરાઇવાડી વિસ્તારમાં મહિલાની છેડતીના આરોપસર ધરપકડ કરાયેલા વડોદરાના એક યુવકના સારવાર દરમિયાન થયેલા મોતના ચકચારભર્યા પ્રકરણમાં અમરાઈવાડી પોલીસે મહિલાના પતિ સહિત ચાર શખસ વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે તો બીજી તરફ છેડતીનો ભોગ બનેલી મહિલાએ પણ ગઇકાલે ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં તપાસ તેજ બનાવી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ, અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોની પાસેના અજય ટેનામેન્ટમાં રહેતી એક પરિણીત મહિલાએ વડોદરાના અક્ષય પટેલ નામના યુવક વિરુદ્ધમાં છેડતીની ફરિયાદ કરી હતી. મહિલા તેના પતિ કમલેશભાઇ અને બે સંતાનો સાથે રહે છે. મહિલાને મલેશિયા જવાનું હોવાથી પાંચેક મહિના પહેલાં અક્ષય રમણભાઇ પટેલ (રહે. ધનલક્ષ્મી રેસિડન્સી, વડોદરા) નામના ઓળખીતા યુવક સાથે સંપર્કમાં આવી હતી. મહિલાએ અક્ષયને પાસપોર્ટ બનાવવા માટે એક મહિના પહેલાં કામ સોંપ્યું હતું, જેમાં મહિલાએ અક્ષયને પાસપોર્ટ માટે ૧ર હજાર તેમજ મેરેજ સર્ટિ. કઢાવવા માટે ૩પ૦૦ રૃપિયા આપ્યા હતા. મહિલાનાં પાસપોર્ટ અને મેરેજ સર્ટિ. કઢાવી આપ્યા બાદ અક્ષયે મહિલાના પાસપોર્ટ પર મલેશિયાનો સિક્કો મરાવવા માટે ૩૦ હજાર રૃપિયાની માગણી કરી હતી. શનિવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ મહિલાના પતિ કમલેશ પટેલ ડી.જે. વગાડવા માટે બહાર ગયા હતા તે સમયે અક્ષય તેમના ઘરે આવી ગયો હતો અને મલેશિયા જવાનો સિક્કો મારવાનો છે તેમ કહીને મહિલા પાસે ૩૦ હજાર રૃપિયાની માગણી કરી હતી. રૃપિયા આપવા માટે મહિલાએ પતિ કમલેશને ફોન કરીને બોલાવવાનું કહેતાં અક્ષયે તેમને કહ્યું હતુંં કે તમારા પતિને બોલાવવાની કોઇ જરૃર નથી. દરમિયાનમાં મહિલા પાણીનો ગ્લાસ લઇ રસોડામાં ગઇ ત્યારે અક્ષયે અચાનક તેને બાથ ભરીને પકડી લીધી હતી. મહિલા અક્ષયને ધક્કો મારવા લાગી હતી. અક્ષયે મહિલાને ધક્કો મારતાં તે નીચે પડી ગઇ હતી. આ વાત કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી અક્ષય આપતો હતો ત્યારે કમલેશ સાથે કામ કરતો ક્રિષ્ના પટેલ આવી ગયો હતો. જેથી પતિ કમલેશ પટેલ તથા અન્ય સ્થાનિકોએ ભેગામળી અક્ષયને પકડીને ઢોર માર માર્યો હતો અને અમરાઇવાડી પોલીસના હવાલે કર્યો હતો. જો કે, અક્ષયની હાલત ખરાબ હોઇ પોલીસ તેને મેડિકલ ચેકઅપ માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ ગઈ હતી. હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યા બાદ અક્ષયને પરત પોલીસ સ્ટેશનમાં લવાયા બાદ તેની તબિયત વધુ લથડી હતી અને તેને ફરી હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજીબાજુ, અક્ષયની પત્ની જાનકીબહેને અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મહિલાના પતિ કમલેશ પટેલ, ભાવિક પટેલ, ક્રિષ્ના પટેલ અને અજયસિંહ ચૌહાણ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ દાખલ કરી હતી. અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ. એમ. દેસાઇએ જણાવ્યું છે કે અક્ષયે મહિલાને બાથમાં લીધી ત્યારે કોઇ તેમના ઘરે આવી ગયું હતું, જેમાં મામલો બીચક્યો હતો અને અક્ષયને ઢોરમાર માર્યો હતો. ત્યારબાદ પોલીસને સોંપ્યો હતો. અક્ષયને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું છે. અક્ષયની માતા અને મહિલાની માતા બાળપણની મિત્ર છે, જેથી બન્ને જણાં એકબીજાને સારી રીતે ઓળખે છે. મહિલાને વિદેશ જવાનું હોવાથી તેના ભાઇ ભાવિન થકી અક્ષયના સંપર્કમાં આવી હતી. ભાવિનને અમેરિકા મોકલી આપવાનું કામ અક્ષય પાસે હતું, જેથી તેને કામ આપ્યું હતું. બીજીબાજુ, છેડતીનો ભોગ બનનાર મહિલાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

(9:34 pm IST)