Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

જનસુવિધા-લોક વિકાસના કામમાં કોઇ ગેરરીતિનો અવકાશ ન રહે તેવી ઇચ્‍છાશક્તિથી ઓનલાઇન પદ્ધતિ દ્વારા ગુજરાત ગુડ ગવર્નન્‍સમાં દેશનું દિશાદર્શન કરશેઃ ગાંધીનગરમાં ‌વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં શહેરી વિકાસ ક્ષેત્રે ગુડ ગવર્નનન્સ પારદર્શિતાની અભિનવ પહેલનો પ્રારંભ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી)નો પ્રારંભ કરાવતા કહ્યું કે આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે.

ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી પારદર્શીતાથી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ કરવી છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ડિઝીટલ ઇન્ડીયાની સંકલ્પના સાકાર કરવામાં ગુજરાત આ સિસ્ટમથી અગ્રેસર બન્યું છે એમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં ગુજરાતમાં શહેરી વિકાસ ક્ષેત્રના અભિનવ આયામો એવા ત્રિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરાવ્યો હતો.

તેમણે ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ, નગરપાલિકાઓના તંત્રને સુદ્રઢ. અને વધુ સેવાભિમુખ બનાવવા પ્રાદેશિક કમિશનરેટ પ્રારંભ તેમજ સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રૂ. ૧૦૧૦ કરોડના ચેક વિતરણ કર્યા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં ૧રપ ચોરસ મીટર બાંધકામ માટે પરવાનગીમાંથી મુકિત આપીને આ સરકારે સામાન્ય માનવીમાં ભરોસો મુકયો છે કે તે ખોટું નહીં જ કરે. મુખ્યમંત્રીશ્રીએ આ ઓન લાઇન પદ્વતિ શરૂ કરવા સાથે ૧૬ર નગરપાલિકાઓના વહીવટને જવાબદેહ અને સ્થાનિક સ્તરે નિર્ણય તથા વિકાસ આયોજન માટે પ્રાદેશિક કચેરીઓ સંપૂર્ણ સત્તાધિકારો સાથે શરૂ કરવાની પહેલ ગુજરાતે કરી છે તેમ પણ જણાવ્યું હતું.

રાજ્યના સમગ્ર નગરપાલિકા તંત્રને અન્ડર વન અમ્બ્રેલા લાવવાની આ પહેલ ગુજરાતના સર્વગ્રાહી વિકાસને શો કેશ કરશે તેવો વિશ્વાસ શ્રી વિજયભાઇએ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને શહેર સુધરાઇઓ-નગરપાલિકા-મહાનગરપાલિકામાં જનસુવિધા-લોક વિકાસના કામોમાં કોઇ ગેરરીતિ-ભ્રષ્ટાચાર કે ખોટી કાર્યપ્રણાલિને અવકાશ જ ન રહે તેવી ઇચ્છાશકિતથી આ ઓન લાઇન પધ્ધતિ શરૂ કરી છે.

તેમણે ઉમેર્યું કે આ ઓન લાઇન સિસ્ટમથી અરજદારને પોતાની અરજીનું સ્ટેટસ ફિંગર ટીપ પર જાણવા મળશે તેમજ નિશ્ચિત સમયમર્યાદામાં નિકાલની સુવિધા પણ સરળતાએ આપોઆપ ઉપલબ્ધ થશે.

ગુજરાતનો આ ગુડ ગવર્નન્સ અને ટ્રાન્સપરેન્ટ એડમીનીસ્ટ્રેશનનો પ્રયોગ દેશનું દિશાદર્શન કરશે એમ તેમણે ઉમેર્યું હતું.

શહેરી વિકાસ વિભાગના અગ્રસસચિવ શ્રી મુકેશપુરીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પારદર્શી વહીવટ માટે શહેરી ક્ષેત્રે બાંધકામ ક્ષેત્રની મંજૂરી વ્યવસ્થાપન માટે ઓન લાઇન ડાયરેકટ પરમીશન સીસ્ટમ કાર્યરત કરી. જેના થકી મંજુરી ઝડપથી મળતાં વિકાસ કામો વેગવાન થશે અને રાજ્યમાં વધુને વધુ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. જી.આઇ.એસ.ના માધ્યમથી મોબાઇલ એપ સાથે જોડીને એન્જીનીયર્સ, આર્કિટેક સહિતની  વિગતો ટી.પી.સ્કીમની માહિતી પણ નાગરિકોને સરળતાથી મળી રહેશે.

મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ઓ.એસ.ડી. શ્રી પી. એલ. શર્માએ ઓન લાઇન ડાયરેકટ પરમીશન સીસ્ટમ અંગેની કાર્ય પ્રણાલી તથા તેના થનાર લાભો અંગે પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રી મંડળના સભ્યો સર્વેશ્રી આર. સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ, દિલીપકુમાર ઠાકોર, ઇશ્વરભાઇ પરમાર, પરબતભાઇ પટેલ, જયદ્રથસિંહ પરમાર, વાસણભાઇ આહિર, શ્રીમતી વિભાવરીબેન દવે, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ અને વિધાનસભાના દંડક શ્રી પંકજ દેસાઇ, સાંસદો અને ધારાસભ્યો, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખો અને ક્રેડાઇના હોદ્દેદારો, બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અંતમાં આભારવિધિ ડાયરેકટર મ્યુનિસિપાલીટીઝ એડમીનીસ્ટ્રેશન શ્રી મહેન્દ્રભાઇ પટેલે કરી હતી.

(8:48 pm IST)