Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સાબરમતીમાં માતા સાથે ન્હાવા પડેલ બાળકી ડૂબી જતા મોતને ભેટી

 ગાંધીનગર: શહેર પાસે સાબરમતી નદી ઉપર કરોડો રૃપિયાના ખર્ચે બનાવવામાં આવેલા સંત સરોવરમાં વેકેશનના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે આવી રહયા છે ત્યારે ગઈકાલે માતા સાથે સંત સરોવરમાં નહાવા માટે આવેલી છ વર્ષની બાળકીનું ડુબી જતાં મોત થયું હતું. આ ઘટના અંગે ઈન્ફોસીટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. શહેર નજીક બનાવવામાં આવેલા સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહયું છે. તેમજ આ વિસ્તારમાં પાણી ભરાયેલું હોવાથી ઉનાળાની ગરમીમાં સહેલાણીઓ માટે નહાવાનું એક નવું સ્થળ મળી ગયું છે. રજાના દિવસો શનિ-રવિમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતાં હોય છે અને આ પાણીમાં છબછબીયા કરતાં હોય છે જો કે સંત સરોવરમાંથી પાણી અચાનક છોડવામાં આવતાં ઘણીવાર અકસ્માતની પણ ઘટના બનતી હોય છે. ગઈકાલે પણ આવી જ એક ઘટના બની હતી. જેમાં વિરમગામના ઉમરખાણ ગામના મહિલા અને તેમની છ વર્ષીય પુત્રી ભુમિબેન પ્રવિણભાઈ પરમાર ગાંધીનગર અક્ષરધામ ફરવા માટે આવ્યા હતા અને ત્યાં તેમના સગા સાથે સંતસરોવરમાં નહાવા માટે પહોંચ્યા હતા. જ્યાં પાણીના આવરામાં તણાઈ જતાં ભુમિ ડુબી હતી અને તેને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી પરંતુ તેણીનું મોત નીપજયું હતું.
 

(6:28 pm IST)