Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સુરત યુનિવર્સિટી પાસે બીઆરટીઅેસ બસની ઠોકરે પિત્રાઇ ભાઇનું મોતઃ બહેન ગંભીર

સુરતઃ સુરત યુનિવર્સિટી પાસે બીઆરટીઅેસ બસે હડફેટે લેતા પિત્રાઇ ભાઇનું મોત નિપજ્યુ હતું, જ્યારે બહેનને ગંભીર હાલતમાં હોસ્‍પિટલ ખસેડવામાં આવી છે.

આ સમગ્ર ઘટના સુરતના યુનિવર્સિટીના કન્વેન્શન હોલ નજીકની છે કે જ્યાં એક બાઈક પર સવાર પિતરાઈ ભાઈ બહેનને BRTSએ અડફેટે લીધા હતા. જેમાં બહેન ફંગોળાયને રોડની બાજુમાં પડી ગઈ હતી. જ્યારે BRTSએ ભાઈને 300 ફુટ સુધી ઘસડતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને ગંભીર રીતે ઈજા થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મૃતક ભાઈનું નામ કિશોરભાઈ વિઠ્ઠલભાઈ ઠુમ્મર હતું. જ્યારે બહેનનું નામ મિત્તલ છે.

પાસોદરા પાટીયા પાસે રહેતા આ બંને ભાઈ બહેન તેના સંબંધીના ઘરે જતાં હતા. તે દરમિયાન યુનિવર્સિટિ કન્વેનશન નજીક આ ઘટના બની છે. જેમાં કિશોરભાઈ બાઈક સાથે બસના આગળના ટાયરમાં ફસાઈ ગયા હતા. સિટી બસના ચાલકે બસને 300 ફૂટ બાદ જાણ થઈ હતી કે, બસની નીચે કોઈ ફસાઈ ગયું છે. ત્યારબાદ બસ ઉભી રાખી હતી. જોકે, કિશોરભાઈનું મોત નિપજ્યું હતું.

જો કે સમગ્ર ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ ફરાર ડ્રાઈવરને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. અને પોલીસના હવાલે કર્યો હતો.

(6:05 pm IST)