Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ઉમરેઠના થામણા ગામે ચણતર બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી :બે ને ઇજા :બંને પક્ષોની સામસામી ફરિયાદ

ઉમરેઠ તાલુકાના થામણા ગામે વાડામાં જવાના રસ્તામાં ચણતર બાબતે બે પરિવારો વચ્ચે મારામારી થતાં બેને ઈજાઓ થઇ છે આ અંગે આ અંગે બન્ને પક્ષોએ ઉમરેઠ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે ઉમરેઠ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ઘરી છે.

   આ અંગેની વિગત મુજબ વિપુલસિંહ નટવરસિંહ ગહિલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નજીકમાં જ રહેતા અજયસિંહ મહોબ્બતસિંહ ગોહિલ તેમના વાડામાં જવા આવવાના રસ્તા ઉપર ચણતર કામ કરતા હોય તેમણે ચણતર કામ કરવાની ના પાડતાં અજયસિંહે ગમે તેવી ગાળો બોલીને ઝધડો કર્યો હતો. જેમનું ઉપરાળુ લઈને વિજયસિંહ કિરિટસિંહ ગોહિલ, ગીતાબેન મહોબ્બતસિંહ ગોહિલ તથઆ હર્ષદભાઈ ચંદુભાઈ બારોટ આવી ચઢ્યા હતા. દરમ્યાન અજયસિંહે જમીન પર પડેલ ઈંટનો ટુકડો હાથમાં લઈને હેજલબેનને છુટો મારતાં માથામાં પાછળના ભાગે વાગ્યો હતો જેથી તેઓ લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

    સામા પક્ષે સજ્જનબેન મહોબ્બતસિંહ ગોહિલે આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ઘર આગળ ચણતર કામ ચાલતુ હોય નટુભાઈ ઉદેસિહભાઈ ગોહિલને કહ્યું હતુ કે, તમો અમારી જગ્યામાં ચણતર કામ કેમ કરો છો. જેથી નટુભાઈ, વિપુલસિંહ, નીલમબેન રાજેન્દ્રસિંહ ગોહિલ તથા નયનાબેન વિપુલસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરીને નટુભાઈએ ધરતીબેનને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

 

(4:13 pm IST)