Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

નિવૃત્ત સનદી અધિકારીના લાભ ન અપાતા સરકારને ૧૦ હજારનો દંડ

અરજદારને તમામ લાભ આપવા આદેશ

અમદાવાદ તા. ૭ : આઇએએસ તરીકે બઢતીને ચાર્જશીટમાં ઉલઝાવી લાભથી વંચિત રાખવાના મામલે હાઇકોર્ટ સમક્ષ નિવૃત્ત અધિકારીએ કરેલી રિટમાં જસ્‍ટિસ અનંત દવે જસ્‍ટિસ વૈષ્‍ણવે અરજદારને નિવૃત્તિ સહિતના લાભ આપવા આદેશ કર્યો છે. સરકારે હુકમ સામે સ્‍ટે માંગતા કોર્ટે ૧૦ હજારનો દંડ કર્યો છે.

નિવૃત્ત અધિક કલેક્‍ટર એન.એમ. ચાવડાને કેન્‍દ્ર સરકારના આઇએએસ કેડરમાં પ્રમોશન આપવા માટે ૨૦૦૩માં જ લિસ્‍ટમાં તેમના નામનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. જો કે તે સમયે તેમની સામે ચાર્જશીટ પડતર હોવાથી તેમને પ્રમોશન ન આપી શકાય તેવી સરકારે રજૂઆત કરી તેમનું નામ દૂર કર્યું હતું.

દરમિયાન ૨૦૧૦માં તેઓ નિવૃત્ત થયા હતા. તેમની સામેની ચાર્જશીટમાં મોટાભાગના કેસમાં તેમની સામેની કામગીરી ચાલી ન હતી. જે બાબતે તેમણે ટ્રિબ્‍યુનલમાં ફરિયાદ કરતા ટ્રિબ્‍યુનલે સરકારને એક લાખનો દંડ ફટકાર્યો હતો. જે બાદ પણ તેમને સરકાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે મે ૨૦૧૭માં અપાયેલી નોટિસને પણ રદ્‌ કરી દીધી હતી. તે સાથે ૪ સપ્તાહમાં અરજદારના બાકી નીકળતા સિનિયોરિટી, પ્રમોશન, પેન્‍શન, ગ્રેજયુઇટી, નિવૃત્તિના લાભો, પેન્‍શન, તફાવત સહિતના તમામ લાભો ચૂકવી આપવા આદેશ આપ્‍યો છે. હાઇકોર્ટે સાથે કેસનો નિકાલ કર્યો છે.

સરકારે ચુકાદાને પડકારવા માટે સ્‍ટેની માગ કરી હતી. જે મામલે કોર્ટે નોંધ્‍યું હતું કે, રાજયના બદઇરાદાને કારણે અરજદારે અર્થહીન કાનૂની લડાઇમાં ઉતરવું પડ્‍યું છે.

(2:58 pm IST)