Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

બજાજ અને હીરો કંપનીના ૨ કરોડના નકલી સ્‍પેરપાર્ટ્‍સનો જથ્‍થો પકડાયો

ચિરાગ શાહ - નરેશ શાહ - રાહુલ સુરાણીની ધરપકડઃ ૪ વર્ષથી ગોરખધંધા ચાલતા'તા

રાજકોટ તા. ૭ : અમદાવાદ ગ્રામ્‍ય એસોજીએ શનિવારે મોડી રાત્રે ચાંગોદર વિસ્‍તારમાં આવેલા અશ્વમેઘ એસ્‍ટેટમાં આવેલી વીર માર્કેટિંગ કંપની તથા સ્‍લિક ઓટો કંપનીમાં બજાજ અને હીરો કંપનીના ટૂ વ્‍હીલર બાઇકના કોપિરાઇટ્‍સ સ્‍પેરપાર્ટસ બનાવી સ્‍ટિકર લગાવી બજારમાં વેચતા ત્રણ આરોપીની ૨ કરોડના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્‍ય એસોજીના પી.એસ.આઇ વી.એમ. કોલાદરા અને તેમની ટીમ શનિવાર રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે ચાંગોદર વિસ્‍તારનાં અશ્વમેઘ એસ્‍ટેટમાં આવેલ વીર માર્કેટિંગ કંપની તથા સ્‍લિક ઓટો કંપનીનાગોડાઉન પર દરોડો પાડ્‍યો હતો. આ કંપનીના માલિકો બજાજ અને હીરો કંપનીના ટૂ વ્‍હીલર બાઇકના બ્રાન્‍ડેડ કોપિરાઇટ સ્‍પેરપાર્ટ બનાવી સ્‍ટિકર લગાવી ગુજરાત તેમજ બહાર સસ્‍તા ભાવમાં આ સ્‍પેરપાર્ટ વેચતી હતી. જેમાં બન્ને કંપનીના માલિક ચિરાગ શાહ ઉ.૩૫ રહે વાસણા, રાહુલ સુરાણી ઉ.૩૫ રહે.સેટેલાઇટ, નરેશ શાહ રહે.જોધપુરની ધરપકડ કરી છે.

ત્રણે આરોપીઓ છેલ્લા ૪ વર્ષથી ડુપ્‍લિકેટ સ્‍પેરપાર્ટસ બનાવી વેચતા હતા. રેડ દરમિયાન બજાજ અને હીરો કંપનીના કોપિરાઇટસ સ્‍પેર પાર્ટસ , સ્‍ટિકર્સ તેમજ સ્‍પેરપાર્ટસના મશીન સહિત ૨,૧૯,૮૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કંપનીના માલિકો વિરુદ્ધ કોપિરાઇટ ,છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.

 

(2:58 pm IST)