Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

સસ્તાભાવે સોનું આપવાની લાલચ આપીને ૧.૫૦ કરોડ ઉપરાંતની ઠગાઈના કેસમાં બે ભાઈઓની ધરપકડ

મુખ્ય સુત્રધાર મહંમદ અંસાર મુળ યુપીનો હોવાનું ખુલ્યું : તારાપુર પંથકના આઠથી દસ લોકો છેતરાયા

તારાપુર પંથકના આઠથી દશ જેટલા વ્યક્તિઓને સસ્તાભાવે સોનું આપવાની લાલચ આપીને ૧.૫૦ કરોડ ઉપરાંતની ઠગાઈ કરીને ફરાર થઈ ગયેલા ત્રણ પૈકી બે ભાઈઓને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે મુખ્ય સુત્રધાર મહંમદ અંસાર ફરાર થઈ ગયો છે જેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે .
   આ અંગેની વિગત મુજબ સને ૨૦૧૬માં સસ્તા ભાવે સોનું અપાવવાની લાલચ આપીને તારાપુર પંથકના આઠથી દશ જેટલા વેપારીઓ પાસેથી દોઢથી પોણા બે કરોડ  જેટલી માતબર રકમ પડાવી લેવાનો કિસ્સો બહાર આવ્યો હતો બોરસદ તાલુકાના મુળ વાસણા ગામના પરંતુ હાલમાં તારાપુર ખાતે રહેતા શશીકાંત રમણભાઈ પટેલ અને તેના ભાઈ મુન્નાભાઈ રમણભાઈ પટેલે નડીઆદ ખાતે રહેતા મહંદમઅન્સાર ગફુરઅંસાર શેખની મુલાકાત કરાવી હતી. જેણે પોતાની પાસે સોનું આવ્યું છે અને ૧૮ હજાર રૂપિયાના તોલે આપી દેવાનું છે તેમ જણાવીને લાલચ આપી હતી.
    મુળ રાજકોટના પરંતુ હાલમાં સીંજીવાડા ખાતે રહેતા અને તારાપુરની મોટી ચોકડીએ અંબિકા પાન સેન્ટર ચલાવતા રસીકભાઈ ગોવિંદભાઈ સાપરીયા સહિત કેટલાય લલચાયા હતા. જેમને વિધિ કરવાના બહાને મહુધા તાલુકાના રૂંદણ ગામે લઈ ગયા હતા જ્યાં અગાઉથી આયોજન મુજબ ઝાડ પરથી રૂપિયાનો વરસાદ કરાવ્યો હતો તેમજ તળાવ નજીક ખોદકામ કરીને અંદરથી એક કિલો ઉપરાંતની ચાંદી કાઢી બતાવી હતી જેથી વિશ્વાસમાં આવી ગયેલા વેપારીઓએ દોઢથી પોણા બે કરોડ જેટલી રકમ આપી દીધી હતી. આ રકમ લઈને મુખ્ય સુત્રધાર મહંમદઅન્સાર ફરાર થઈ જવા પામ્યો છે. એલસીબી પોલીસે શશીકાંત રમણભાઈ પટેલ અને મુન્નાભાઈની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે બે દિવસના રીમાન્ડ પર મેળવ્યા છે.

(1:39 pm IST)