Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની કવાયતનો પ્રારંભ

આજથી પ્રદેશ કાર્યાલય ખાતે ત્રણ દિવસ સુધી જીલ્લાવાર મુખ્ય ડઝનેક સ્થાનિક આગેવાનોને મળશે ચાવડા-ધાનાણીઃ શહેર-જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, વિપક્ષી નેતા, સંગઠનના મુખ્ય આગેવાનો સાથે વિચાર-વિમર્શ

રાજકોટ, તા. ૭ :. રાજ્યભરમાં જનસંપર્ક અભિયાન આદરીને આગેવાનો, કાર્યકરો અને આમજનતાના પ્રશ્નો તથા સૂચનો જાણ્યા બાદ હવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આજથી ત્રણ દિવસ સુધી લોકસભા ચૂંટણીઓને અનુલક્ષીને પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન-અમદાવાદ ખાતે રાજ્યના તમામ શહેર-જીલ્લાના મુખ્ય આગેવાનો, ચૂંટાયેલા હોદેદારો સાથે વિસ્તૃત બેઠકો કરશે અને સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવા કવાયત આદરશે.

કોંગ્રેસના નવનિયુકત બન્ને યુવાન હોદેદારો રાજ્યભરમાં ઘૂમી વળી કોંગ્રેસની અને રાજકીય સ્થિતિથી વાકેફ થઈ રહ્યા છે અને લોકોના પ્રશ્નો જાણી હાલ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર વિરૂદ્ધના વાતાવરણથી માહિતગાર થઈ આગામી લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે તૂર્તમાં એકશન પ્લાન ઘડાશે.

આજે બપોરના ૧૨ વાગ્યાથી પ્રદેશ કાર્યાલય ખાતે અમુક શહેર-જિલ્લાના આગેવાનો પદાધિકારીઓ તથા સંગઠન હોદેદારોને બોલાવવામાં આવ્યા છે અને વિસ્તૃત વિચાર-વિમર્શ કરીને 'મિશન-૨૦૧૯' માટે માઈક્રોપ્લાનીંગ ઘડી કાઢવામાં આવશે.

આજથી શરૂ થતી ત્રણ દિવસ માટેની કવાયતમાં તૂર્તમાં સંગઠનમાં થનારા ધરખમ ફેરફારો, જીલ્લા શહેરના નિરીક્ષકો, ઝોન પ્રભારીઓ તથા જનમિત્ર કો-ઓર્ડીનેટરો પાસેથી વિસ્તૃત રીપોર્ટ લઈ જીલ્લાના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરી સંગઠનને નવા કલેવર આપવામાં આવશે.

પ્રદેશ કાર્યાલય સૂત્રોના જણાવ્યા મુજબ આજથી ત્રણ દિવસ માટે યોજાનાર બેઠકમાં દરરોજ ચોક્કસ જીલ્લાના પ્રતિનિધિઓને વારાફરતી બોલાવાશે અને તેમની સાથે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી વ્યકિતગત બેઠકો યોજી જીલ્લાની રાજકીય, સામાજીક તથા હાલાકી અંગેની વિગતો મેળવશે. તૂર્તમાં સંગઠનમાં ધરખમ ફેરફારો પણ આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ભાજપ સરકાર સામે જોરદાર લડતનો પણ પ્રારંભ થશે.(૨-૫)

(11:48 am IST)