Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

પ્રવીણને ડાન્સ કરવા કેમ બોલાવ્યો ? કહી બલવંતસિંહ અને તેના બે પુત્રોએ વિજયને ચપ્પાના ઘા ઝીકી દીધા

બોરસદના સારોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનના સામૈયામાં ડાન્સ બાબતે બબાલ

બોરસદના સારોલ ગામે લગ્નપ્રસંગ દરમ્યાન એક યુવાનને ડાન્સ કરવા બોલાવાવા બાબતે ખાર રાખીને ત્રણ શખ્સોએ તકરાર કરીને એકને ચપ્પાના ત્રણ જીવલેણ ઘા મારતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે ભાદરણ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
   જાણવા મળતી વિગત મુજબ સારોલ ગામે રહેતા અરવિંદભાઈ જાદવની પુત્રીનું લગ્ન હોય ગઈકાલે ધુવારણથી જાન આવી હતી. મોડીરાત્રે ૧૧ વાગ્યે જાનનું સામૈયુ કરીને પરત આવતા હતા ત્યારે ડીજેના તાલે બધા ડાન્સ કરતા હતા. દરમ્યાન વિજયભાઈ મેલાભાઈ જાદવના મિત્ર રણજીતે તેના મિત્ર પ્રવિણને ડીજેમાં ડાન્સ કરવા માટે બોલાવતા તે આવીને ડાન્સ કરતો હતો જેથી બળવંતસિંહ અજબસિંહ જાદવે પ્રવિણને ડાન્સ કરવા કેમ બોલાવ્યો તેમ કહી વિજયભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો. બળવંતસિંહનું ઉપરાણું લઈને તેના બે પુત્રો નરેન્દ્રસિંહ અને મહેન્દ્રસિંહ પણ આવી ચઢ્યા હતા અને વિજયને માર મારવાનું ચાલુ કર્યું હતુ.

   દરમ્યાન ઉશ્કેરાયેલા બળવંતસિંહે પોતાની પાસેનું ચપ્પુ કાઢ્યું હતુ અને મારી નાંખવાના ઈરાદે વિજયને ડાબા પડખામાં પાંસળી નીચે બે ઘા મારી દીધા હતા. ત્રીજો ઘા મારવા જતાં વિજય નમી જતાં તેને ડાબા ખભા ઉપર ચપ્પુ વાગ્યું હતુ. ત્યારબાદ બીજા લોકોએ વચ્ચે પડીને વધુ મારમાથી છોડાવ્યો હતો. જતા જતાં આજે તો તુ બચી ગયો છું પરંતુ ફરીથી જીવતો નહીં રાખીએ તેવી ધમકી આપી હતી.
  ગંભીર રીતે ઘવાયેલા વિજયભાઈ જાદવને તુરંત જ ૧૦૮ મોબાઈલ વાન દ્વારા બોરસદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(12:20 pm IST)