Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

વડોદરામાં પત્નીના પ્રેમીની હત્યા કરવાના ગુન્હામાં પતિને આજીવન કેદ :પત્નીને શકનો લાભ: નિર્દોષ જાહેર

પત્ની નિમિષાએ સેટલમેન્ટ માટે બોલાવ્યો હતો પતિએ ઉશ્કેરાઈને બ્લેડના તીક્ષણ ઘા મારીને પતાવી દીધો

વડોદરા :વડોદરાનો કોર્ટે પત્નીના પ્રેમીની હત્યા કરવાના ગુન્હામાં પતિને આજીવન કેદની સજા ફટકારી છે આરોપી પતિ મિલિનકુમાર રાવની પત્ની નિમિષા રાવ પણ આ કેસમાં આરોપી હતી પરંતુ કોર્ટે તેને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ આપી નિર્દોષ છોડી હતી.

  આ અંગેની વિગત મુજબ બાજવામાં રહેતા મિલિનકુમાર રાવે બદામડી બાગ વિસ્તારમાં પત્નીના પ્રેમી ક્રિષ્ના દેઓકરની 31 મે 2017ના રોજ હત્યા કરી હતી. મિલિંદકુમારની પત્ની નિમિષાએ દેઓકરને બદામડી બાગ વિસ્તારમાં સેટલમેન્ટ માટે બોલાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન મિલિંદકુમાર દેઓકરને થોડે દૂર લઈ ગયો હતો અને ઝપાઝપી પછી ગળે બ્લેડના તિક્ષ્ણ ઘા મારી હત્યા કરી હતી.

   કેસની વિગતો અનુસાર 30 મેના રોજ ક્રિષ્ના દેઓકર પોતાની માને એવું કહી નીકળ્યો હતો કે તે અને નિમિષા કડી જઈ રહ્યાં છે અને બીજા દિવસે પરત ફરીશું. જ્યારે બીજા દિવસે તેની માતાએ ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉઠાવ્યો નહોતો. જોકે થોડી વાર પછી નિમિષાએ ફોન રીસીવ કરતાં જણાવ્યું હતું કે દેઓકરને મોતને ઘાટ ઉતારાયો છે અને મિલિનકુમાર ફરાર છે.

નિમિષાની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરાઈ હતી જ્યારે મિલિનકુમારને પોલીસે બીજા દિવસે ઝડપી પાડ્યો હતો. પોલીસે એ પણ જણાવ્યું હતું કે કપલ પર દેઓકરને બદામડી બાગ બોલાવી હત્યા કરવાનું ષડયંત્ર રચવાની આશંકા હતી. આથી તેમણે નિમિષાની પણ ધરપકડ કરી હતી.

   નિમિષા અને દેઓકર કોલ સેન્ટરમાં કામ કરતાં હતાં. આ દરમિયાન બન્નેની આંખ મળી જતા પ્રેમમાં પડ્યાં હતાં. નિમિષા પતિ મિલિનકુમાર પાસેથી ડિવોર્સ લઈ દેઓકર સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. પોલીસે જુલાઈમાં આ કપલ સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને ઓક્ટોબરમાં ટ્રાયલ ચાલું થઈ હતી.

આ ઘટનામાં મિલિનકુમાર ગુનેગાર સાબિત થયો હતો જ્યારે તેની પત્ની નિમિષાને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ આપી નિર્દોષ જાહેર કરાઈ હતી. જજે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે,’જ્યારે મિલિનકુમારે દેઓકરની હત્યા કરી ત્યારે નિમિષાનો તેમાં કોઈ જ હાથ નહોતો. પોલીસ સબૂતોમાં પણ એ જોવા મળ્યું હતું કે નિમિષાએ દેઓકરને કોઈ જ ઈજા પહોંચાડી નહોતી.કોર્ટે મિલિનકુમારને એક હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

(8:07 pm IST)