Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

મામેરુ ભરીને પરત ફરતા આદિવાસી લોકો પર હુમલો 8ને ઇજા: 200 લોકો પોલીસ સ્ટેશને ધરણા પર બેઠા

ડાભોલાના અસામાજિકોને ઝડપી પાડવા બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામના આદિવાસી પરિવારની માંગ

 બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના લગ્નનું મામેરૂ ભરીને પરત ફરતા લોકો ઉપર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. આ ઘટનાના પગલે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ઘટનાના પગલે આશરે 200થી વધારે લોકો શનિવારે મોડી રાત્રે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

   મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામના આદિવાસી પરિવારના લોકો શનિવારે મોડી રાત્રે લગ્નમાં મામેરૂ ભરીને પરત ફરી રહ્યા હતા. આ સમયે ડાભેલા ગામના અસામાજિક તત્વોએ તેમની ગાડી ઉપર પથ્થરમારો કર્યો હતો.

જેથી ગાડીના કાચ તૂટ્યા હતા. આ હુમલામાં ગાડીમાં બેઠેલા આઠ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ આદિવાસી સમાજના લોકોનું ટોળું અમીરગઢ પોલીસ સ્ટેશને પહોંચ્યું હતું.

   વધુ મળતી માહિતી પ્રમાણે અમીરગઢ પોલીસ સ્ટેશન પહોંચેલા આદિવાસી સમાજના લોકોના ટોળાએ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે. જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન નહીં છોડીએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. જેના પગલે જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આરોપીઓને પકડવાની તજવીજ હાથધરી હતી.

(8:09 pm IST)