Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

બોડકદેવમાં કોરોનાનો કેસ સપાટી પર આવતા ફફડાટ

દેવરાજ ટાવરમાંથી બે કેસ સામે આવતાં ચકચાર : મૃત્યુ પામનાર વૃદ્ધની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ નિકળ્યો

અમદાવાદ,તા. : અમદાવાદ. શહેરમાં આજે કોરોનાના નવા આવેલા ૧૩ કેસોમાં ત્રણ કેસ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાંથી સામે આવ્યા છે. અગાઉ પણ બોડકદેવમાં રહેતા વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું અને હવે તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોડકદેવમાંથી હવે કેસો સામે આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું છે. જો હજી વધુ કેસો સામે આવશે તો બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મૂકી દેવામાં આવશે. ખાસ કરીને આજે બે કેસ બોડકદેવના દેવરાજ ટાવરમાંથી સામે આવતાં તંત્ર અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોમાં કોરોનાની ગંભીર સ્થિતને લઇ ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. અગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલા દેવરાજ ટાવરમાં રહેતા ૫૯ વર્ષના સોનલબેન શાહ અને ૩૩ વર્ષના મોનલ શાહ ટેસ્ટ પોઝિટિવ નોંધાયા છે. જેના પગલે સમગ્ર દેવરાજ ટાવરને કલસ્ટર ઝોનમાં મૂકી ક્વોરન્ટીન કરવાની કામગીરી કરવામાં આવી શકે છે.

         એક ફ્લેટમાં બે મહિલાના ટેસ્ટ પોઝિટિવ આવતા ફ્લેટમાં રહેતા તમામ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે. જે પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો દેખાશે તેમના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપવામાં આવશે. ઉપરાંત બોડકદેવમાં આવેલા દેવપ્રીત એપાર્ટમેન્ટમાં રહેતા અને કોરોનાથી મોતને ભેટેલા ૬૭ વર્ષીય વૃદ્ધ શૈલેષ ધ્રુવના પત્ની રીટાબેન ધ્રવનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શૈલેષ ધ્રુવનું શુક્રવારે કોરોનાથી મોત થયું હતું. લોકલ ટ્રાન્સમિશનના કારણે વૃદ્ધને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો, જેને પગલે ૩૦ માર્ચે સોલા સિવિલ ખાતે દાખલ કરાયા હતા. બોડકદેવના વૃદ્ધ ડાયાબિટિસ અને હાયપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. તેમના પત્નીનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે આજે પોઝિટિવ આવ્યો હતો.આમ, હવે બોડકદેવ કોરોના પોઝિટિવનું હોટસ્પોટ જાણે બની ગયુ હોય તેવી સ્થિતિ બનતાં સ્થાનિક લોકોમાં સ્પષ્ટ ફફડાટ જોવા મળી રહ્યો છે.

(8:42 pm IST)