Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

દેડિયાવાડા તાલુકાના પારસી ટેકરા વિસ્‍તારના કેટલાક શખ્‍સોને પોલીસ મથકે લાવી, PSI કમર પટ્ટાથી જાહેરમાં ફટકારતા હોવાનો વીડિયો વાયરલ : નર્મદા જિલ્‍લા પંથકમાં ભારે ચર્ચા

દેડિયાપાડા તાલુકા વિસ્‍તારના પારસી ટેકરા વિસ્‍તારના કેટલાક શખ્‍સોઅે પોલીસમથકે લાવી કમર પટ્ટથી જાહેરમાં ફટકાર્યા હોવાનો વીડીયો સોશ્‍યિલ મીડીયામાં વાયરલ થયો છે. નર્મદા જિલ્‍લા પંથકમાં ભારે ચર્ચા થઇ રહી છે.

પોલીસ મથકમાં ખાખી વર્ધીનો રોફ જમાવતા સ્થાનિક પીએસઆઈ રસ્તા ઉપર ચાલતાં લોકો સાથે પણ ઉદ્ધતાઈથી વર્તન કરતાં હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. રાત્રિનાં સમયે પારસી ટેકરા ખાતે આંકડાનો જૂગાર લખાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના પગલે સ્થળ ઉપર જઈને તપાસ કરતાં કેટલાંક લોકો દુકાનની આગળ બેઠા હતાં.

કોઈપણ પ્રકારની પૂછપરછ કર્યા વિના પોલીસ તેમને ઉઠાવી ગઈ હતી. બાદમાં પોલીસ મથકે લઈ જઈને પોલીસ અધિકારી દ્વારા તેમની વર્ધીનો કમર પટ્ટો કાઢી શખ્સોને કોરડા ફટકાર્યા હતા. દરમિયાન નજીકમાં રહેલાં કેટલાંક લોકોએ મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરતાં હાલ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો.

વીડિયોએ પોલીસ પ્રજાની રક્ષક છે કે ભક્ષક તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. સ્થાનિક રહિશોનાં જણાવ્યા અનુસાર નવા આવેલા પીએસઆઈ રસ્તે ચાલતાં લોકો અને વાહન ચાલકો સાથે પણ ઉદ્દતાઈભર્યું વર્તન કરી તોછડાઈથી વાત કરે છે. સ્થાનિક લોકોને જાણે હડધૂત કરતા હોય તેવી રીતે વર્તન કરે છે. જે તેમની ખાખી વર્ધીનો રોફ જમાવતા હોય તેવું જણાઈ આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો સંદર્ભે પીએસઆઈ વી.એસ. ગઢવીનો ટેલિફોનિક સંપર્ક કરતાં કોઈ પ્રત્યુત્તર મળી શક્યો નથી.

(12:29 am IST)