Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

ઉનાળાને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરાયું છે

ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીઃ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં પદાધિકારીઓની બેઠક

અમદાવાદ,તા.૭: નાયબ મુખ્યમંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ઉનાળાને અનુલક્ષીને રાજ્ય સરકારે નાગરિકોને પીવાનું પુરતું પાણી મળી રહે તે માટે આગોતરૂ આયોજન કર્યું છે. હાલમાં રાજ્યમાં પીવાનું પાણીનો કોઈ પ્રશ્ન નથી, તેમ તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગત ચોમાસામાં મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાના કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટી છે. રાજ્ય સરકારે ખેડુતો ઉનાળુ પાકનું વાવેતર ન કરે તે માટે આગોતરી જાણ કરી છે. જેથી ખેડુતો બિયારણના ખર્ચમાંથી બચી શકે. રાજ્ય સરકારે શિયાળામાં સિંચાઈ માટે નર્મદા યોજનાનું પાણી પુરૂ પાડ્યું હતું. જેને પરિણામે ખેડુતોએ મબલખ પાક લીધો છે. એટલું જ નહીં આ વર્ષે રાજ્યમાં ૩૫ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. પટેલે જણાવ્યું કે, ખેડુતોને મગફળીના ટેકાના ભાવ મળી રહે તે માટે સરકારે ૩૭૦૦ કરોડની મગફળી ખેડુતો પાસેથી ખરીદી છે. મગફળી ઉપરાંત કપાસ, તુવેર અને ઘઉંની પણ સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે વડોદરા ખાતે શહેર જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી શહેર જિલ્લાને સ્પર્શતા પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા કરી તેના સમયબદ્ધ ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

આ અવસરે નાયબ મુખ્યમંત્રીનું શહેર-જિલ્લાના પદાધિકારીઓ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ભરત ડાંગર, પ્રદેશ અગ્રણી ભરતભાઈ પંડ્યા, ધારાસભ્યો સર્વ જીતુભાઈ , મઘુભાઈ કેતન ઈનામદાર, મનીષા , સીમાબેન , શૈલેષ મહેતા, જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, પૂર્વ ધારાસભ્યો સહિત શહેર-જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

(10:01 pm IST)