Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

વડોદરાના ઉદ્યોગપતિ અમીત ભટનાગરના ૨૬૦૦ કરોડના બેંક કૌભાંડ મામલે ભાજપનો બચાવ કરતા નીતિનભાઇ પટેલ

વડોદરાઃ અમિત ભટનાગરના બેન્કફ્રોડ વિશે ભાજપ પાસે કોઈ માહિતી ન હતી તેમ કહી નીતિન પટેલે ભાજપનો બચાવ કર્યો હતો.  હું અમિત ભટનાગરને વ્યક્તિગત રીતે ઓળખતો પણ નથી, વડોદરા શહેર નજીક આવેલા વડોદરા તાલુકાના મહાપુરા ગામ સ્થિત પ્રાથમિક શાળામાં આયોજીત ગુણોત્સવ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે હાજરી આપી હતી અા દરમિયાન અા જવાબો અાપ્યા હતા.

ગુણોત્સવના આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત માહિતી મેળવી હતી. કાર્યક્રમ બાદ વડોદરાના ઉદ્યોગપતિ અમિત ભટનાગરના ભાજપ કનેક્શન અને 2,600 કરોડના બેન્ક કૌભાંડ ફરાર થઇ ગયેલા અમિત ભટનાગરને ભાજપા દ્વારા વડોદરા સ્વચ્છતા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવેલા છે. તે મામલે નીતિન પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા જેવા સારાકામમાં કોઇ પણ જોડાઇ શકે છે. જે તે સમયે અમિત ભટનાગરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા ત્યારે તેઓ વિશે માહિતી પક્ષ પાસે હોય નહીં.

આથી પક્ષને દોષી માની શકાય નહીં. નીતિન પટેલે વધુમાં ઉમેર્યું કે, હું અમિત ભટનાગરને વ્યક્તિગત રીતે ઓળખતો પણ નથી. સી.બી.આઇ. દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે કાર્યવાહી સી.બી.આઇ. કરશે અને સરકાર કોઇ આવા કૌંભાડીઓને છોડશે નહીં. જોકે સૌ કોઇ ઉદ્યોગપતિ અમિત ભટનાગર સૌરભ પટેલના સૌથી નિકટના ગણાતા હતા અને વડોદરા બેઠક પર સૌરભ પટેલને સાથે રાખી વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ અમીત ભટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આવા સમયે બેન્ક કૌભાંડ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રીતસરના હાથ ખંખેરી નાખતા જવાબો આપ્યા હતા

વિવાદાસ્પદ ઉદ્યોગપતિ અને રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલની નીકટના ગણાતા અમિત ભટનાગર સામે સીબીઆઈ દ્વારા 26 માર્ચે જ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવા છતા તેની તપાસ 5 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. આ વિગતો સપાટી પર આવતા તપાસ શરૂ કરવામાં અને દરોડા પાડવામાં કેમ વિલંબ કરાયો તે પણ એક સવાલ ઉભો થયો છે. મળતી વિગતો પ્રમાણે સીબીઆઈએ અમિત ભટનાગર.. તેમના ભાઈ અને પિતા સામે બેંકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો સાથે ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધી હતી. જોકે 26 માર્ચે નોંધાયેલી ફરિયાદ બાદ સીબીઆઈની ટીમોએ દરોડા 5 એપ્રિલે પાડતા તર્ક વિર્તક ઉભા થવા સ્વાભાવિક છે.. કારણકે ફરિયાદ બાદ દરોડા પાડવામાં 10 દિવસના સમયનો તફાવત છે. દરોડો પાડવામાં વિલંબ થવા પાછળનું કારણ તો સીબીઆઈ જ કહી શકે પણ સીબીઆઈના દરોડામાં અમિત ભટનાગર અને તેમના પરિવારના સભ્યો હાથ લાગ્યા નથી તે પણ હકીકત છે. દરમિયાન ફરાર થઈ ગયેલા અમિત ભટનાગરે આગોતરા જામીન  માટે અરજી કરી હોવાનુ પણ જાણવા મળ્યુ છે..

(8:06 pm IST)