Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

કેમિકલના ઉપયોગથી દુધ બનતુ હતું: માખણમાં સુક્ષ્‍મ જીવાણુઓ મળી આવ્‍યાઃ: માવા-પનીર-ઘીમાં ફુગ હતીઃ અમદાવાદની વિવિધ ડેરીઓના ૮૦ ટકા દુધના નમુના ફેઇલ

અમદાવાદઃ અમદાવાદની વિવિધ ડેરીઓમાંથી લેવામાં આવેલા ૮૦ ટકા જેટલા દુધના નમુના ફેઇલ જતા આરોગ્ય સાથે ચેડા વેપારીઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

જે દૂધ અને દૂધની બનાવટો શરીર માટે શક્તિવર્ધક ગણાય છે. તે જ તમારા શરીને ખોખલું બનાવી રહી છે. અમારી આ વાતમાં જરાય અતિશયોક્તિ નથી. અમદાવાદમાં વિવિધ ડેરીઓમાં લેવાયેલા નમૂના પૈકી 80 ટકા નમૂના લેબ ટેસ્ટમાં ફેલ સાબિત થયા છે.

રાજ્યમાં દૂધમાં મોટાપાયે ભેળસેળ થાય છે. કેમિકલના ઉપયોગથી તૈયાર કરાયેલું જીવલેણ દૂધ અનેક સ્થળોએ વેચાય છે. જો કે માત્ર દૂધ જ નહીં, તેમાંથી બનતી માખણ, માવા, ઘી અને પનીર જેવી ડેરી પ્રોડ્કટમાં પણ ભેળસેળ થાય છે.

ડેરીઓમાં મળતા માવા, માખણ, પનીર, ઘીમાં ફંગસ મળી આવ્યા, ઘીમાં ફેટ વધારવા ડાલડા ઘીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું. કેટલીક ડેરીઓમાં બટરમાં સૂક્ષ્મ જવાણુઓ પણ મળી આવ્યા.

અમદાવાદની 22 ડેરીમાંથી વિવિધ પ્રોડક્ટના લેવાયેલા 40 પૈકી 80 ટકા નમૂના ઝીરો ગુણવત્તાના અને આરોગ્ય માટે જોખમી હોવાનું સામે આવ્યું છે.

ડેરી પ્રોડક્ટ પૈકી સૌથી વધુ ભેળસેળ ઘીમાં સામે આવી છે. ઘીમાં ફેટ વધારવા ડાલડા ઘીનો મોટાપાયે વપરાશ થાય છે. જેનાથી વેપારીઓને અનેક ગણો ફાયદો થાય છે, પરંતુ ગ્રાહકોના શરીર બિમારીના ઘર બને છે, અને ડેરી પ્રોડક્ટના વપરાશકારોને ઝાડા-ઉલ્ટી, પેટમાં દુખાવો, આંતરડામાં ઈન્ફેક્શન, ટાઈફોઈડ, કોલેરા, લાંબા ગાળે કેન્સર થવાની શક્યતા રહે છે.

અમદાવાદની સીઈઆરસીમાં વિવિધ ડેરી પ્રોડક્ટના કરાયેલા ટેસ્ટિંગના ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. ડેરી સંચાલકોને જાણે કે ભેળસેળ અને હલકી ગુણવત્તાનો માલ વેચવાનો ખુલ્લો પરવાનો મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. જનતાના આરોગ્યને જોખમમાં મૂકતા ડેરી સંચાલકો સામે એએમસીના હેલ્થ વિભાગે નામ પૂરતી કાર્યવાહીનો સંતોષ માનવાને બદલે દાખલો બેસે તેવી કડક સજા કરવી જોઈએ.

(8:05 pm IST)