Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

વડોદરા નજીક સીંઘરોટ ડેમમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ન્હાવા પડેલ પાંચ યુવકો પૈકી એકનું મોત

વડોદરા:શહેર નજીક આવેલા સિંધરોટ ચેકડેમ પર આજે બપોરે નહાવા માટે ગયેલા સલાટવાડાના પાંચ યુવકો ડેમના પાણીમાં તણાયા હતા. બચાવો.. બચાવો..ની બુમો પડતા સ્થાનીક તરવૈયાઓએ યુવકોને બચાવવા ડેમમાં ઝંપલાવ્યું હતું. પાંચમાંથી ચાર યુવકને બચાવી લેવાયા હતા જ્યારે એક યુવક પાણીમાં ગરકાવ થતાં ડુબી જવાથી તેનું મોત થયું હતું.
સલાટવાડાના બારોટ મહોલ્લામાં રહેતો અને એસએસજી હોસ્પિટલમાં સિટી સ્કેન વિભાગમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતો ૨૬ વર્ષનો યુવક રાહુલ લાલાભાઇ બારોટ આજે મિત્રો સાથે બાઇક લઇને સિંધરોટ ચેકડેમ પર નહાવા ગયો હતો. રાહુલના મિત્રો દુર્ગેશ, પ્રતિક, રોશન અને વિશાલ સાથે ચેકડેમમાં નહાવા પડયો હતો અને લગભગ અડધો કલાક પાણીમાં મસ્તી કર્યા બાદ તમામ મિત્રો બહાર પણ આવી ગયા હતા પરંતુ બહાર આવ્યા બાદ રાહૂલને સેલ્ફી લેવાનું મન થતાં રાહુલ અને મિત્રો ફરીથી ડેમ પર ગયા હતા અને સેલ્ફી લઇ રહ્યા હતા ત્યારે ડેમ પર લીલના કારણે તેઓ લપસ્યા હતા. તેઓ જ્યાં પડયા ત્યાં પાણી ઉંડુ હોવાથી પાંચેય મિત્રો ડુબવા લાગ્યા હતા અને બચાવો...બચાવો...ની બુમો પાડતા ત્યાં હાજર સ્થાનીક તરવૈયાઓએ યુવકોને બચાવવા કુદ્યા હતા જેમાંથી દુર્ગેશ, પ્રતિક, રોશન અને વિશાલને બચાવી લેવાયા હતા પરંતુ રાહુલ ઉંડા પાણીમાં ડુબી જતા તેનું મોત થયું હતું ત્રણ કલાક બાદ તેની લાશ તરવૈયાઓએ બહાર કાઢી હતી.

(4:42 pm IST)