Gujarati News

Gujarati News

News of Saturday, 7th April 2018

સીએ શેઠનાને જામીન આપવા સેશન્સ કોર્ટે કરેલો સાફ ઇનકાર

૧.૩૮ કરોડ ઉપાડી લેવાનો ચકચારી મામલો : પત્નીએ આરોપી પતિ શેઠના સામે નવરંગપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી : કોર્ટે આરોપીની જામીનઅરજી ફગાવી

અમદાવાદ,તા.૬ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલ એન્વાયર્નમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની જાણ બહાર ચેકીમાં ખોટી સહીઓ કરી રૂ.૬.૮૫ કરોડની ઉચાપત કરવાના ચકચારભર્યા કેસમાં સંડોવાયેલા આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ શેઠનાને આજે વધુ એક મોટો ઝટકો સેશન્સ કોર્ટમાંથી મળ્યો છે. પોતાની પત્ની સાથેના જોઇન્ટ બેંક એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટમાંથી રૂ.૧.૩૮ કરોડથી વધુની રકમ બારોબાર ઉપાડી લઇ છેતરપીંડી  કરવા અંગેની ખુદ શેઠનાની પત્નીએ નવરંગપુરા પોલીસમથકમાં નોંધાવેલી ફરિયાદના કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ શેઠનાની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે આરોપી સીએ તેહમુલ શેઠનાની વર્તણૂંક અને તેના ગુનાના પ્રકાર અંગે પણ ગંભીર નોંધ લીધી હતી અને તેને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. આરોપી સીએ તેહમુલ શેઠનાના જામીન ફગાવતાં કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી સામે આ કેસમાં પ્રથમદર્શનીય પુરાવો હોવાનું ફલિત થાય છે. વળી, આ ગંભીર ગુનાની તપાસ હજુ ચાલુ છે અને વધુ પુરાવા એકત્રિત કરવાના બાકી છે ત્યારે આરોપી સીએ મોટી વગ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોઇ જો તેને જામીન પર મુકત કરાય તો, ફરિયાદી તેમ જ અન્ય સાહેદોને યેનકેન પ્રકારે દબાણમાં લાવી, તપાસને નડતરરૂપ થાય તેવી શકયતા છે. એટલું જ નહી, આ કેસમાં આરોપી દ્વારા કેસના પુરાવા સાથે ચેડા થવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં આરોપી સીએ તેહમુલ બરજોર શેઠનાની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે. આરોપી સીએ તેહમુલ શેઠનાની રેગ્યુલર જામીનઅરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપી સીએ વિરૂધ્ધ ખુદ તેમની પત્નીએ જ નવરંગપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. જે જોતાં આરોપીએ પોતાના આર્થિક લાભ માટે ફરિયાદી પત્નીની ખોટી સહીઓ કરી, બંનેના જોઇન્ટ એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટમાંથી રૂ.૧.૩૮ કરોડથી વધુ રકમ બારોબાર ઉપાડી અંગત કામમાં વાપરી નાંખી ફરિયાદી પત્ની સાથે ગંભીર છેતરપીંડી અને વિશ્વાસઘાત આચર્યા છે. આ કેસમાં ફરિયાદીની ફરિયાદ અનુસંધાનમાં એફએસએલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં પણ એફએસએલ રિપોર્ટ પણ આરોપી સીએની વિરૂધ્ધમાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ દરમ્યાન આરોપી સીએ વિરૂધ્ધ પૂરતા અને મજબૂત પુરાવા મળી આવ્યા છે તે જોતાં તેમની વિરૂધ્ધમાં પ્રથમદર્શનીય કેસ બને છે અને તેથી કોર્ટે કોઇપણ સંજોગોમાં આરોપી સીએ તેહમુલ શેઠનાની જામીઅરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ કોર્ટે આરોપી સીએ તેહમુલ શેઠનાના જામીન ફગાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી સીએ તેહમુલ શેઠના વિરૂધ્ધ નવરંગપુરા વિસ્તારમાં આવેલ એન્વાયર્નમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની જાણ બહાર ચેકીમાં ખોટી સહીઓ કરી રૂ.૬.૮૫ કરોડની ઉચાપત કરવાના ચકચારભર્યા કેસમાં પણ ફરિયાદ નોંધાયેલી છે. આ એ જ સીએ તેહમુલ શેઠના છે કે, જેણે નોટબંધી દરમ્યાન મહેશ શાહનું રૂ.૧૩,૬૮૦ કરોડનું કાળુ નાણું જાહેર કર્યું હતું. આટલી મોટી છેતરપીંડીના કેસમાં સીએ તેહમુલ શેઠનાને રિમાન્ડ પર સોંપાતા સીએ આલમમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:09 pm IST)