Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ વર્કશોપ યોજાયો

એનટીસીપી વર્કશોપમાં તમાકુ વ્યસન મુક્તિ અંગે વિસ્તૃત સમજ આપીને તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લેવડાવાઈ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સતીશ મકવાણા અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો ચિંતન દેસાઈના માર્ગદર્શન મુજબ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (એન.ટી.સી.પી) અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વર્કશોપ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત લોકોને તમાકુ વ્યસન મુક્તિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

  આ વર્કશોપમાં ઉપસ્થિત લોકોએ તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી અને પ્રાથણિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.સંગીતા પટણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. એન.ટી.સી.પી વર્કશોપમાં તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયા, ડો.વિપલ મોરડીયા, જયેશ પાવરા સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

   તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, વિશ્વમાં દર વર્ષે તમાકુના કારણે ૫૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે અને ભારતમાં દર વર્ષે ૧૦ લાખ લોકો તમાકુના કારણે મૃત્યુને ભેટે છે. જે અઇડ્સ, ક્ષય રોગ અને મેલેરીયા ત્રણેય રોગોથી મૃત્યુ પામતા લોકોની કુલ સંખ્યા કરતા પણ વધુ છે. ભારતમાં તામાકુના સેવનથી દરરોજ મૃત્યુ પામતા લોકોની સંખ્યા ૨૭૦૦થી પણ વધુ છે અને દર મિનિટે બે વ્યક્તિ મૌત ને ભેટે છે.

  ભારતમાં કેન્સરના ૧૦૦ દર્દીઓ પૈકી ૪૦ દર્દીઓ તમાકુ સાથે સંકળાયેલા હોય છે. મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા જેટલા કેસો તમાકુના સેવનના લીધે થાય છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે. આશરે ૧૮ ટકા હાયરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય,ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી, શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી, ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી, શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.

(10:22 pm IST)