Gujarati News

Gujarati News

News of Saturday, 7th March 2020

શિક્ષક તરીકેના નોકરી ઇચ્છુકો અને તાલીમબધ્ધ શિક્ષકો ઇચ્છતી શાળાઓ માટે 'આદિત્ય' ઉપયોગી : વિજયભાઇ

આઇ.આઇ.ટી.ઇ.ના પ્લેસમેન્ટ પોર્ટલનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

આઇઆઇટી દ્વારા તૈયાર કરાયેલ પ્લેસમેન્ટ પોર્ટલ (નોકરી સબંધી પ્રવેશદ્વાર) 'આદિત્ય'નું ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં અને સંસ્થાના વડા ડો. હર્ષદ પટેલની વગેરેની હાજરીમાં લોકાર્પણ કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર,તા.૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય શિક્ષક પ્રશિક્ષક સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશન-આઇઆઇટીઇ) દ્વારા તૈયાર કરવામાં આવેલ જોબ પ્લેસમેન્ટ પોર્ટલ 'આદિત્ય'- (એકમ્પ્લિશિંગ ડ્રીમ્સ ફોર ઇન્ડિયન ટીર્ચસ એન્ડ યર્નિંગ એડમિનિસ્ટ્રેટર્સ)નું ગાંધીનગરમાં લોકાર્પણ કર્યુ હતું. શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચૂડાસમા આ લોકાર્પણ વાળાએ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આદિત્ય પોર્ટલના લોકાર્પણ કરતા જણાવ્યું કે ''ભારત જ્યારે ૫ ટ્રિલિયન ડોલર્સનું અર્થતંત્ર બનાવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આપણે તાલીમ બધ્ધ મેનપાવર (માનવબળ) પણ નિકાસ કરવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે આઇઆઇટીઇ શિક્ષણ માટેના વૈશ્વિક ધારાધારણો અને માપદંડો આધારિત ભારતીય જ્ઞાન પરંપરાના મૂંલ્યોથી સંવર્ધિત થયેલાં શિક્ષકોનું ઘડતર કરી રહી છે. ''

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ''આદિત્ય જોબ પોર્ટલ જેવી સુવિધાઓ આપણા વિદ્યાર્થીઓને દેશ-વિદેશ શાળાઓમાં કામ કરવાની તકો ઉપલબ્ધ થશે. એટલું જ નહિં, ગુણવત્તાયુકત તાલીમબધ્ધ શિક્ષકો ઇચ્છતી શાળાઓને પણ આ પોર્ટલના માધ્યમથી કૌશ્લયસભર શિક્ષકો સરળતાએ પારદર્શી પધ્ધતિથી મળી શકશે.''

શ્રી વિજયભાઇ રૂપાણીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં આઇઆઇટીઇ દ્વારા યોજવામાં આવેલા કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ- 'બાપૂ સ્કૂલ મેં' અભિયાનની પણ સરાહના કરી હતી.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આઇઆઇટીના અભ્યાસક્રમોમાં અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક બોર્ડ સાથે સંલગ્ન શાળાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ નોકરીની તકો ઉપલબ્ધ બને તે માટે આ પોર્ટલનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ આ પોર્ટલ શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઇચ્છુક તાલીમબધ્ધ ઉમેદવારો માટે પણ ખુલ્લું મૂકવામાં આવશે.

પોર્ટલ લોકાપણ્ર્ા કાર્યક્રમાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, આઇઆઇટીના કુલપતિ શ્રી ડો. હર્ષદ પટેલ, આઇઆઇટીના રજિસ્ટ્રાર શ્રી ડો. એસ સી પટેલ, આઇઆઇટીના ડીન શ્રી ડો. કલ્પેશ પાઠક વગેેરે ઉપસ્થિત રહયા હતા.

(1:07 pm IST)