Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

આણંદ નજીક બાકરોલના લીમડી ચોકમાં અગાઉ થયેલ ઝઘડાની અદાવતમાં પથ્થરમારો થતા મામલો બિચક્યો:તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો

આણંદ:નજીક આવેલા બાકરોલ ગામના લીમડી ચોકમાં આજે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં એક જ કોમના છોકરાઓ વચ્ચે પથ્થરમારો થતાં ગામમાં તંગદીલીભર્યું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતુ. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાત ના પડે તે માટે પેટ્રોલીંગ વધારી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

 


આ અંગેની મળતી વિગતો અનુસાર ગત મે માસમાં બાકરોલમાં મલેકો અને પઠાણો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી જેમાં એકની હત્યા કરવામાં આવી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. દરમ્યાન આ આરોપીઓ જામીન પર છૂટ્યા હતા. આજે સાંજના સુમારે લીમડી ચોક વિસ્તારમાં ફરી એકવાર અગાઉના ઝઘડાની અદાવતમાં નાના છોકરાઓ વચ્ચે માથાકુટ થઈ હતી અને જોતજોતામાં બન્ને પક્ષે પથ્થરમારો થવા પામ્યો હતો. જેને લઈને નાશભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ વિદ્યાનગર પોલીસને થતાં જ પોલીસનો કાફલો તુરંત જ બાકરોલ ગામે પહોંચી ગયો હતો અને ઉશ્કેરાયેલા ટોળાને વિખેરી નાંખ્યા હતા. જો કે આ બનાવના કોઈ ઘેરા પ્રત્યાઘાતો ના પડે તે માટે સમગ્ર બાકરોલ ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યું છે.

(5:30 pm IST)